જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ઈકોકાર પલટી ખાતાં ચાલકનું મોત
- કૂતરાના બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો
- ઈકોકારના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર અલિયાબાડા ગામ પાસે પૂરફટ ઝડપે જતી ઈકોકાર પલટી ખાતાં ઈકોકારના ચાલકનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે એક ઇકો કારની આડે કૂતરું ઉતરતાં ઇકો કાર પલટી મારી ગઈ હતી.જે અકસ્માતમાં કારના ચાલકનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતુ. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતો અને ઇકો કાર ચલાવતો સંજય હરિભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાની જી.જે.10 ઇ.સી. 8687 નંબરની ઇકો કાર લઈને પોતાના ઘેરથી અલિયા ગામના પાટીયા પાસે જવા માટે નીકળ્યો હતો. જે દરમિયાન રસ્તામાં એક કૂતરું આડું ઉતરતાં તેને બચાવવા જતા ઇકો કાર પલટી મારી ગઈ હતી, અને પોતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. આ અકસ્માતના બનાવ બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને 108 ની ટીમને જાણ કરી હતી, જેથી 108 ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત સંજય મકવાણાને ચેક કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે ચંદુભાઈ બાવાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ લાંબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.