સુરેન્દ્રનગરના થાન નજીક કાર્બોસેલની ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત
- ફાયર બ્રગેડના જવાનોએ ભારે જહેમત બાદ ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો,
- મૃતક ડમ્પર ચાલક રાજસ્થાનનો વતની હતો,
- પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન તાલુકાના મોરથળા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં મોડી રાત્રે એક વ્યક્તિ ડમ્પર સાથે ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિકો સહિતના તંત્રને થતા ઘટના સ્થળે પહોંચી ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધું હતું. પરંતુ ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવા છતાં કોઈ જ પતો લાગ્યો નહોતો. દરમિયાન સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ડમ્પરના ચાલકની લાશ ખાણમાંથી બહાર કાઢી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના થાન તાલુકાના મોરથળા ગામની સીમમાં મોડી રાતે એક ડમ્પર કાર્બેસલની ઊંડી ખાણમાં ખાબક્યુ હતું. સ્થાનિક લોકોએ દોડી આવીને ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધુ હતુ. પણ ડમ્પરના ચાલકનો કોઈ પત્તો ન લાગતા સુરેન્દ્રનગર મ્યુનિના ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમ થાન તાલુકાના મોરથળા ગામે આવી પહોંચી હતી અને અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ ખાણમાંથી ચાલકની લાશને બહાર કાઢી હતી. જેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે મૃતકનું નામ રાકેશ ખરાડી (રહે. રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગેની જાણ સ્થાનિક પોલીસ અને તંત્રને કરી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ડમ્પર ચાલક કોનુ ડમ્પર ચલાવતો હતો ? કાર્બોસેલની ખાણ કોની હતી ? અને ડમ્પર ચાલક કેવી રીતે પડ્યો સહિતની બાબતો અંગે તપાસ બાદ જ સાચી વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના થાન, ચોટીલા, મુળી પંથકમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન સમયે અવારનવાર દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.