For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કડી-છત્રાલ હાઈવે પર રાત્રે પાઈપો ભરેલી ટ્રેકટર ટ્રોલી પાછળ કાર અથડાતા ચાલકનું મોત

05:53 PM Sep 03, 2025 IST | Vinayak Barot
કડી છત્રાલ હાઈવે પર રાત્રે પાઈપો ભરેલી ટ્રેકટર ટ્રોલી પાછળ કાર અથડાતા ચાલકનું મોત
Advertisement
  • લોખંડની પાઈપો કારના કાચ તોડીને ઘૂંસી ગઈ,
  • ટ્રેકટરચાલક વાહન મુકીને નાસી ગયો,
  • અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદઃ મહેસાણા હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગઈ મોડી રાત્રે કડી છત્રાલ હાઈવે પર પાઈપ ભરેલી ટ્રેકટર ટ્રોલીની પાછળ કાર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પાઇપો ભરેલી હતી. જેના કારણે કારે અચાનક ટર્ન લેતા ટ્રોલીમાં ભરેલી પાઈપો કાચ તોડીને અંદર ઘૂસી હતી. ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

Advertisement

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, મૂળ કડી તાલુકાના કરણનગર ગામના રહેવાસી અલ્પેશભાઈ નટવરભાઈ પટેલ (ઉંમર 45) મંગળવારે ઘરના કામથી બહારગામ ગયા હતા. મોડી રાત્રે તેઓ પોતાની કાર (નંબર GJ 2 EK 6290) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે છત્રાલથી કડી તરફ જતા સમયે અણખોલ ગામની આગળ ટ્રેક્ટર (નંબર GJ 2 DE 5821) તેમની કારની આગળ ચાલી રહ્યું હતું. ટ્રેક્ટરે અચાનક વળાંક લેતા અલ્પેશભાઈની કાર ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગઈ હતી.

ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પાઇપો ભરેલા હતા, જે કાર સાથે અથડાતા કાચ તોડી કારની અંદર ઘૂસી ગયા હતા. આ કારણે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના વાહનચાલકો થોભી ગયા હતા.

Advertisement

આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. કડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. આરટીઓના નિયમોનું પાલન ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પાઇપો યોગ્ય રીતે બાંધવામાં આવ્યા ન હોવાથી આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીને લઈને રોષ જોવા મળ્યો હતો. કડી પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement