વડોદરાના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા
- મહિલાઓએ મ્યુનિ.સામે વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી
- સ્થાનિક રહિશોએ મ્યુનિને અનેકવાર રજુઆત કરી છતાંયે પ્રશ્ન ન ઉકેલાયો
- પોલીસે મહિલાઓની અટકાયત કરતા મામલો ગરમાયો
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાણી પુરતા પ્રેસરથી આવતું નથી. અને ઘણા દિવસથી આ સમસ્યા હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત પણ કરી હતી. પણ કોઈ પગલાં ન લેવાતા મહિલાઓએ મોરચો કાઢતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. દરમિયાન પોલીસે મહિલાઓની અટકાયત કરતા મામલો ગરમાયો હતો.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમા વિસ્તારમાં આજે પાણીના મુદ્દે ભારે તંગદીલી સર્જાઈ છે. મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી કાઢી હતી. જોકે મહિલાઓના દેખાવોને પોલીસની પરવાનગી મળી ન હોવાથી પોલીસે મહિલાઓને મોરચો કાઢવા દીધો ન હતો. જે દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ તેમજ ઝપાઝપી થઈ હતી. એક તબક્કે મહિલા પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા. જેને પગલે મામલો ગરમાયો હતો. પોલીસે 8 થી 10 મહિલાઓને પોલીસ વાનમાં બેસાડી ડીટેન કર્યા હતા. જે દરમિયાન મહિલાઓનો બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. અને પોલીસે વધુ કાફલો મંગાવ્યો હતો.