સુરેન્દ્રનગરના રતનપરમાં પીવાના પાણીની સમસ્યા, ટેન્કરથી પહોંચાડાતુ પાણી
- રતનપરમાં પાણી, ગટર અને સાફાઈના પ્રશ્ને લોકો પરેશાન
- સ્થાનિક રહિશોએ મ્યુનિની કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું
- લોકોને પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા પડે છે
સુરેન્દ્રનગરઃ શહેરના રતનપર વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી અપાતુ ન હોવાથી સ્થાનિક રહિશોને પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. રતનપર વિસ્તાર મ્યુનિ,કોર્પોરેશનમાં આવતો હોવાથી આ વિસ્તારના પ્રશ્નો પ્રત્યે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી. લોકોને રસ્તા, ગટર, સફાઇ સહિત પ્રશ્ને પરેશાની થઇ રહી છે. આથી રહીશોએ મ્યુનિ. કચેરીએ લેખિત રજૂઆત કરી સમસ્યા દૂર કરવા માગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના રતનપુર સહિત વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. રતનપુરની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાથી રહીશો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે શહેરના દેવનંદન રેસીડન્સી, ધર્મદર્શન, નીલકંઠ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા ન મળતા રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. સ્થાનિક રહિશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ આવેદન પત્ર આપીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવાની માગ કરી હતી.
આ અંગે રતનપુરના સ્થાનિક રહીશોએ જણાવ્યું કે અમે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ. પીવાનું પાણી બિલકુલ આવતું નથી. આ અંગે મ્યુનિના સત્તાધિશોને વારંવાર રજૂઆત કરી છે. છતાં કોઇ નવા મકાનોને પાણીના જોડાણ આપ્યા નથી. અમારે પીવાના તેમજ વાપરવાના પાણીની તકલીફ રહે છે, પાણી ન આવવાના કારણે રોજના 2 ટેન્કર રૂ. 400ના ફેરાના ભરી મગાવવા પડે છે. સામાન્ય માણસોને પોષાય તેમ નથી છતાં નછૂટકે મગાવવા પડે છે. હાલ ગરમીમાં પાણી ન આવવાથી હેરાન થતાં હોવાથી તાત્કાલિક પાણી રોજના 2 ટેન્કર આપવા માગ છે. જ્યારે અમારા વિસ્તારમાં ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા કે ગટર નથી, પાકા રોડ પણ નથી, જેથી ચોમાસામાં આવવા જવામાં મુશ્કેલી રહે છે. અમારા વિસ્તારમાં પાણી, ગટર સફાઇની પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. આથી જો તાત્કાલિક અસરથી કાર્યવાહી નહીં કરાય તો નછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.