દ્રૌપદી મુર્મુ લિસ્બન પહોંચ્યા, 27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની પ્રથમ મુલાકાત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આ 27 વર્ષ બાદ પોર્ટુગલની અને 29 વર્ષ બાદ સ્લોવાકિયાની મુલાકાત છે. રાષ્ટ્રપતિ એવા સમયે પોર્ટુગલની મુલાકાતે છે જ્યારે બંને દેશોના સંબંધો અને રાજદ્વારી ભાગીદારીના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ રવિવારે રાત્રે પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા હતા. આ સાથે તારીખ 7થી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની ચાર દિવસીય રાજ્ય મુલાકાતની શરૂઆત થઈ છે. રાષ્ટપતિ મૂર્મૂ પોર્ટુગલના પ્રમુખ માર્સેલો રેબેલો ડી સૂસાના આમંત્રણ પર આ મુલાકાતે છે. આ યાત્રા 27 વર્ષ બાદ થઈ રહી છે. અગાઉ 1998માં, તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને પોર્ટુગલની રાજ્ય મુલાકાત લીધી હતી.
- 29 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની સ્લોવાકિયા મુલાકાત
રાષ્ટ્રપતિ મૂર્મૂ તારીખ 9થી 10 એપ્રિલ દરમિયાન સ્લોવાકિયામાં રહેશે. આ મુલાકાત સ્લોવાકિયાના પ્રમુખ પીટર પેલ્લેગ્રિનીના આમંત્રણ પર થઈ રહી છે. છેલ્લા 29 વર્ષમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિની સ્લોવાકિયાની આ પહેલી મુલાકાત હશે.
- રાષ્ટ્રપતિ મૂર્મૂની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રવિવારે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ પોર્ટુગલ અને સ્લોવાક રિપબ્લિકની રાજ્ય મુલાકાત માટે રવાના થયા છે. છેલ્લા 25 વર્ષથી વધુ સમય બાદ કોઈ ભારતના રાષ્ટ્રપતિની આ બંને દેશોની આ પહેલી રાજકીય મુલાકાત છે.
- ભારત-પોર્ટુગલ રાજદ્વારી સંબંધોના પચાસ વર્ષ
વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે કહ્યું હતું કે, આ મુલાકાત બંને મહત્ત્વપૂર્ણ યુરોપિયન ભાગીદારો સાથે ભારતના બહુપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરશે. તેમણે તેને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક મુલાકાત ગણાવી. પોર્ટુગલ મુલાકાત વિશે વિગતો શેર કરતાં સચિવ તન્મય લાલે કહ્યું કે, રાષ્ટ્રપતિની મુલાકાત ઐતિહાસિક બની જાય છે કારણ કે ભારત અને પોર્ટુગલ હાલમાં તેમના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
સચિવ તન્મય લાલે વધુમાં કહ્યું કે, 'ભારતના રાષ્ટ્રપતિની પોર્ટુગલની છેલ્લી મુલાકાતને 27 વર્ષ થઈ ગયા છે, તેથી આ મુલાકાત ખૂબ જ પ્રતીકાત્મક અને ઐતિહાસિક છે. રાષ્ટ્રપતિ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. સચિવ તન્મય લાલે ધ્યાન દોર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે વારંવાર ઉચ્ચ-સ્તરીય મુલાકાતો થઈ છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત અને ગતિશીલ સંબંધોને પ્રતિબિંબિત કરે છે.