અમદાવાદના નિકોલના અમરજવાન સર્કલ પર ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા
- વારંવાર ડ્રેનેજ ઊભરાવાથી સ્થાનિક રહિશો પરેશાન
- મ્યુનિને રજુઆત છતાંયે અસરકારક કામગીરી કરાતી નથી
- રોડ પર ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજના પાણી જોહેર રોડ-રસ્તાઓ પર ફરી વળતા હોવાથી રાહદારી અને વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે અસરકારક કામગીરી ન કરાતા ડ્રેનેજના પાણી રોડ પર નદીની જેમ વહી રહ્યા છે. ડ્રેનેજના ગેદા પાણીથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત છે. ત્યારે વહેલી તકે ચોકઅપ થયેલી ડ્રેનેજલાઈનના મરામતનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે.
શહેરના નિકોલના અમર જવાન સર્કલ પાસે ડ્રેનેજના પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. હવે તો આ સમસ્યા સાથે જ જીવન નિર્વાહ કરવું પડશે તેમ માની લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના કહેવા મુજબ, નિકોલ વોર્ડના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે ફરી એકવાર નિકોલના અમરજવાન સર્કલ પર ડ્રેનેજના પાણી ભરાઈ ગયા છે. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. પાણી ભરાયેલા હોવાથી શ્રીનંદ ઈલાઈટ, હેરીટેજ હાઈટ્સ, કોરોના હાઈટ્સ, ઉત્સવ વેલી, આદર્શ એવન્યુ, ઊગતી એલિગન્સ, સત્યાગ્રહ લાઈફસ્ટાઈલ ફલેટ સહિતની વિવિધ સોસાયટીના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. શાળાએ જતાં બાળકોને ના છુટકે આ ગંદા પાણીમાં થઈને પસાર થવાનો વારો આવ્યો છે. એટલે વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાના કાયમી નિકાલ માટે મ્યુનિ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
અન્ય એક સ્થાનિક રહિશે કહ્યું હતું કે, નિકોલના ગોપાલચોકમાં છેલ્લા એક સપ્તાહથી ગટર ઉભરાઇ રહી છે જેના લીધે ગટરના ગંદાં પાણી રોડ પર ફરી વળ્યા છે. આ અંગે આ વિસ્તારના કોર્પોરેટરને રજુઆત કરવા છતાંયે પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી