ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશેઃ ગૃહ મંત્રાલય
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સરકાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને ગઈકાલે આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી વિનંતી મળી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે ખડગે અને ડૉ મનમોહન સિંહના પરિવારોને કહ્યું હતું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં એવો નિર્ણય લેવાયો છે કે સમગ્ર ભારતમાં 26.12.2024 થી 01.01.2025 સુધી સાત દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ જ્યાં તે નિયમિતપણે લહેરાવાયા છે ત્યાં તેમજ સમગ્ર ભારતમાં અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. રાષ્ટ્રીય શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં. વિદેશ સ્થિત તમામ ભારતીય મિશન/ભારતના ઉચ્ચાયોગોમાં પણ અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે.