ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન ડો.એસ જયશંકર અમેરિકાના NSA જેક સુલિવાનને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને વધારે મજબુત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ડોક્ટર એસ જયશંકર અને જેક સુલિવાને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી હતી. ડો.જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પે નોમિનેટ કરાયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ સાથે મુલાકાત કરી હતી. જે મુલાકાત અંગેના ફોટો સોશિયલ હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યા છે. વિદેશ મંત્રીએ લખ્યુ છે કે અમારી દ્વીપક્ષીય ભાગીદારી વધારવા અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ પહેલા વિદેશમંત્રીએ ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલ જનરલ તેમજ ન્યુયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, હ્યુસ્ટન અને એટલાન્ટામાં સ્થિત ભારતીય રાજદૂતોની કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.જેમાં ટેકનોલોજી, વેપાર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરી ભારત અમેરિકાની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અંગે વિવિધ તકોની ચર્ચા કરી હતી. અમેરિકામાં ભારતીય સમુદાયને વધુ સારી સેવા આપવા અંગેના સૂચનો પણ શેર કર્યા હતા.