ડો.એસ.જયશંકરે કેનેડામાં હિંદુ મંદિર ઉપર થયેલા હુમલા મામલે નારાજગી વ્યક્ત કરી
કેનેડામાં હિંદુ મંદિર અને હિંદુ સમુદાયના લોકો પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલાની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે.કેનેડામાં હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે અને આ ઘટનાએ સંબંધોમાં વધુ તિરાડ પાડી છે. જોકે, આ ઘટનાને લઈને કેનેડા સરકાર દબાણમાં છે અને ખુદ પીએમ જસ્ટિન ટ્રુડોએ તેની ટીકા કરી છે.
'હિંસા આપણા સંકલ્પોને નબળો પાડી શકે નહીં'
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કેનેડાના બ્રામ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે એક રીતે કેનેડામાં ઉગ્રવાદી દળોને આપવામાં આવતા 'રાજકીય આશ્રય' તરફ ઈશારો કરે છે. કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને કેનેડામાં બનેલી ઘટના અંગે સવાલ કર્યા હતા.
જવાબમાં જયશંકરે કહ્યું, 'તમે આ મામલે અમારા સત્તાવાર પ્રવક્તાનું નિવેદન અને પછી અમારા વડા પ્રધાને વ્યક્ત કરેલી ચિંતા જોઈ હશે. હું ત્રણ ટિપ્પણી કરવા માંગુ છું, એક, કેનેડાએ કોઈ ચોક્કસ માહિતી પ્રદાન કર્યા વિના આક્ષેપો કરવાની પેટર્ન વિકસાવી છે. બીજું, જ્યારે આપણે કેનેડાને જોઈએ છીએ, ત્યારે આપણા માટે એ હકીકત છે કે...અમારા રાજદ્વારીઓ પર નજર રાખવામાં આવી રહી છે જે એકદમ અસ્વીકાર્ય છે. ત્રીજું, મને લાગે છે કે આ ઘટના દર્શાવે છે કે ઉગ્રવાદી દળોને ત્યાં (કેનેડા) રાજકીય આશ્રય આપવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રી 3 થી 7 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે.