ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી હતી.
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આગેવાનોએ તેમના અંતિમ દર્શન કર્યાં હતા. સવારે કોંગ્રેસ કાર્યાલયથી અંતિમયાત્રા યોજાઈ હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. અહીં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, રાહુલ ગાંધી, કોંગ્રેસના સિનિયર નેતા ભૂપિન્દ્રર સિંહ હુડ્ડા, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ યાદવ સિંહ સહિતના રાજકીય આગેવાનો પણ જોડાયાં હતા.
કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ પૂર્વ પીએમના પાર્થિવ દેહને કાંધ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને પીએમ સહિતના રાજકીય આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બીજી તરફ ભારતની ત્રણેય સેનાના પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીને સલામી આપી હતી. તેમજ અમર રહોના નારા લાગ્યાં હતા. દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે દિલ્હીના બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. પરિવારજનો ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ શરીરને ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ લુટિયન્સ દિલ્હીના મોતીલાલ નહેરુ રોડ સ્થિત બંગલા નં.-3માં લવાયો હતો. ડૉ.સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહ છે. તેમની બે પુત્રીઓ અમેરિકા હતી, જે શુક્રવારે રાતે દિલ્હી પહોંચી હતી.