ડો. મનમોહન સિંહ 21 જૂન 1991 નાં રોજ સૌ પ્રથમવાર દેશના નાણામંત્રી બન્યા હતા
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના દેહ અવસાનથી દેશે એક અણમોલ રતન ગુમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહની ગુરુવારે રાત્રે તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડૉ. મનમોહનસિંહ અર્થશાસ્ત્રના પંડિત મનાય છે. ડૉ. મનમોહનસિંહ વર્ષ 2004 થી 2014 એમ સળંગ 10 વર્ષ સુધી બે ટર્મ માટે વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આ અગાઉ તેઓ એક સફળ નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. વર્ષ 1991 માં તત્કાલીન પ્રધાનમંત્રી પી.વી. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
ગઈકાલે નિધનના સમાચાર બાદ પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને અંજલિ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના સૌથી મહાન નેતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે. ડો. મનમોહન સિંહજીની સફર એક નમ્ર વ્યક્તિથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી બનવાથી પણ ઉપર સુધીની રહી છે. તેમણે નાણા મંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ ભોગવ્યાં હતા અને આર્થિક નીતિઓ પર અમીટ છાપ છોડી હતી. સંસદમાં તેમનું યોગદાન પણ અદ્વિતિય હતું. ટ્વીટ સાથે પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહ સાથેની યાદગાર તસવીરો પણ શેર કરી હતી. તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પણ તમામ કાર્યક્રમો પડતા મૂકી દિલ્હી ખાતે આવી ચુક્યા હતા.
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં જે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવી. આ પછી, 1962 માં, તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. અર્થશાસ્ત્રના એક સરળ સ્વભાવના પ્રોફેસર 1976 થી 1980 નાં ગાળામાં અને 1982 થી 1985 એમ બે વખત રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ગવર્નર બન્યા હતા.
21 જૂન 1991 નાં રોજ સૌપ્રથમવાર તેઓ ભારતના નાણામંત્રી બન્યા હતા. દેશની આર્થિક સ્થિતિ તે સમયે ખુબ નાજુક હતી. તે સમયે સૌ પ્રથમવાર દેશમાં આર્થિક ઉદારીકરણની નીતિ ડૉ મનમોહન સિંહે અમલમાં મૂકી હતી. જે ખુબ સફળ નીવડી. આજે પણ તે માર્ગે દેશ આગળ વધી રહ્યો છે. ભલે પાર્ટી કોઈપણ સત્તામાં આવે, તે ઉદારીકરણને બ્રેક વાગી નથી તે તેમની સિદ્ધિ જ કહી શકાય. ભારતના ચૌદમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા.
1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહનસિંહ સેક્રેટરી, નાણા મંત્રાલય; આયોજન પંચના ઉપાધ્યક્ષ; ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ; વડા પ્રધાનના સલાહકાર; યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ સહિતના અનેક પદ શોભાવી ચુક્યા છે. મનમોહન સિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ડૉ મનમોહન સિહ 3 એપ્રિલ 2024 નાં રોજ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા.
દેશ અને વૈશ્વિક સ્તરે ડૉ.મનમોહન સિંહને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ 1987 માં પ્રાપ્ત થયો હતો. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર 1995 માં પ્રાપ્ત થયો હતો. એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર તરીકે 1993 અને 1994એમ બે વાર. આ ઉપરાંત યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ (1956); સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર. ડો.સિંઘને જાપાની નિહોન કેઈઝાઈ શિમ્બુન અને અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે. તેમના પરિવારમાં તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને ત્રણ દીકરીઓને વિલાપ કરતા છોડી ગયા છે.