For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લાંચ રૂશ્વત સામેની લડાઈમાં પાછા ન પડશો, સરકાર તમારી સાથે છેઃ મુખ્યમંત્રી

06:16 PM Dec 09, 2024 IST | revoi editor
લાંચ રૂશ્વત સામેની લડાઈમાં પાછા ન પડશો  સરકાર તમારી સાથે છેઃ મુખ્યમંત્રી
Advertisement
  • ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ - રૂશ્વત વિરોધી દિન યોજાયો,
  • ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા નાગરિકોનું સન્માન કરાયુ, 
  • લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીંપણ વિકાસના માર્ગનો અવરોધ છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે.

Advertisement

મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.

ભ્રષ્ટાચાર - લાંચરુશ્વતની બદી સામે અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરનારા રુશ્વત માંગનારા અધિકારીઓ - કર્મચારીઓને જબ્બે કરવામાં ACBને સહાયક બનેલા સામાન્ય નાગરિકો એવા 10 જેટલા ફરિયાદીઓનું CARE અંતર્ગત સન્માન પણ મુખ્યમંત્રીએ ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ  રાજકુમારની ઉપસ્થિતિમાં કર્યું હતું.

Advertisement

ભ્રષ્ટાચાર વિરુદ્ધ  ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા, સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો, સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. આ CARE પ્રોગ્રામ અન્વયે 1864  ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આવા ફરિયાદીઓ પાસેથી મળેલા 175  સૂચનો અને 72 જેટલી રજૂઆતો મેળવીને 23 જેટલા કેસમાં નિરાકરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે CARE અંતર્ગત ફરિયાદ કરનારા નાગરિકોને તેમની જાગરૂક્તા અંગે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો એક વ્યક્તિ કેવા સારા પરિણામો લાવી શકે તેનું દેશ સમક્ષ આ એક મોટું ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ ધર્મ અને કર્મનો મર્મ સચોટતાથી સમજાવતા કહ્યું કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સંપ્રદાય બધામાં નકારાત્મકતાથી બહાર આવી પોઝિટિવિટીથી જીવન જીવવાની વાત કહી છે. નિજાનંદમાં અને સુખમાં રહેવું હોય તો નૈતિકતા પૂર્ણ આચરણ વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતની નિંદ્રા લઈ શકાય એમ પણ તેમણે ફરજનિષ્ઠા, કર્તવ્યપાલનમાં નૈતિકતાનો સંદર્ભ આપતા ઉમેર્યું હતું. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ટીમ ACBની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ  લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે.

Advertisement
Tags :
Advertisement