ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ખૂબ જ સારા મિત્ર” ગણાવ્યા છે. ગઈકાલે, ઇજિપ્તમાં શર્મ અલ-શેખ સમિટમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો હતો અને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ત્યાં ખૂબ જ સારું કામ કર્યું છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો માટે આશા વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો સાથે સારી રીતે રહેશે. ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અંત લાવવા માટે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા બદલ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યાના થોડા દિવસો પછી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે.
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરારને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ડોનાલ્ડ ડ્રમ્પે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરતુ હોવાના કારણો આગળ ધરીને ભારત ઉપર આકરો ટેરિફ ઝીંક્યો હતો. જે બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધમાં થોડો તણાવ ઉભો થયો હતો. એટલું જ નહીં લાંબા સમયથી ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને પૂર્ણ કરાવવાનો શ્રેય પોતાને આપી રહ્યાં છે. જો કે, ભારતે યુદ્ધ વિરામમાં ત્રીજો કોઈ દેશ સામેલ નહીં હોવાનો દાવો કર્યો હતો. ઈઝરાયલ-ગાઝા વચ્ચેની ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ સમજુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવકારી હતી. બીજી તરફ અમેરિકા પાકિસ્તાનને અનેક રીતે મદદ કરી રહ્યું છે.