ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો કર્યો દાવો
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર મોટો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ “પરમાણુ યુદ્ધ” સુધી ન પહોંચે તે પહેલા અટકાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે બંને દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ યુદ્ધ વિરામ પર સહમત નહીં થાય તો અમેરિકા કોઈ પણ વેપારી કરાર નહીં કરે અને ભારે ટેરિફ લગાવશે. ટ્રમ્પે આ ટિપ્પણી ‘વ્હાઇટ હાઉસ’માં યોજાયેલી કેબિનેટ મીટિંગ દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. મેં પૂછ્યું કે પાકિસ્તાન સાથે શું ચાલી રહ્યું છે? ત્યાં ઘણી નફરત હતી, જે સદીઓથી જુદા-જુદા સ્વરૂપે ચાલી રહી છે. મેં તેમને કહ્યું કે હું કોઈ ટ્રેડ ડીલ કરવા માંગતો નથી. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો. મેં કહ્યું કે અમે તમારા પર એવા શુલ્ક લગાવીશું કે તમારું માથું ચક્કર ખાઈ જશે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે માત્ર પાંચ કલાકમાં જ યુદ્ધ થંભી ગયું હતું. તેમ છતાં તેમણે આશંકા વ્યક્ત કરી કે, ભવિષ્યમાં સંઘર્ષ ફરી શરુ થઈ શકે છે, પરંતુ તે વખતે પણ તેને અટકાવી દેવાશે. તેમણે એ પણ દાવો કર્યો કે આ સંઘર્ષ દરમિયાન “સાત જેટલા વિમાન” તોડી પાડવામાં આવ્યા હતા, જોકે કયા દેશના વિમાનોની વાત છે તે તેમણે ખુલાસો કર્યો નથી.
આ દાવો ત્યારે સામે આવ્યો છે જ્યારે 27 ઓગસ્ટથી અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમણે વિશ્વમાં સાત યુદ્ધ અટકાવ્યા છે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ સામેલ છે. પરંતુ ભારતે હંમેશા આ દાવાને નકારી કાઢ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર” અટકાવવાનો નિર્ણય ભારતે પોતે જ લીધો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના યુદ્ધવિરામનો નિર્ણય કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપ વિના ભારતીય અને પાકિસ્તાની ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેના સંવાદથી આવ્યો હતો.