ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરી પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંચત્રી મોદીએ X પર પોસ્ટમાં ટ્રમ્પને તેમના "મિત્ર" ગણાવ્યા અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો.
પીએમ મોદીએ લખ્યું કે, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફ તમારી પહેલને સમર્થન આપીએ છીએ."
દક્ષિણ અને મધ્ય એશિયા માટે યુએસ સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે દિલ્હીમાં ભારતના મુખ્ય વેપાર વાટાઘાટકાર અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ સાથે વાતચીત કરી ત્યારે ફોન કોલ આવ્યો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં વાટાઘાટોને "વેપાર કરારના વિવિધ પાસાઓને આવરી લેતા સકારાત્મક અને ભવિષ્યલક્ષી" ગણાવવામાં આવી છે. તેમાં ઉમેર્યું હતું કે, બંને પક્ષોએ "પરસ્પર ફાયદાકારક વેપાર કરારના વહેલા નિષ્કર્ષને પ્રાપ્ત કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી આ ફોન કોલ આવ્યો છે. તેમણે 9 સપ્ટેમ્બરના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે, "મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આપણા બંને રાષ્ટ્રો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યા છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે." ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને "ખૂબ જ સારા મિત્ર" તરીકે પણ વર્ણવ્યા અને કહ્યું કે તેઓ "આગામી અઠવાડિયામાં" તેમની સાથે વાત કરવા આતુર છે.
ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, પીએમ મોદીએ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈની પુષ્ટિ કરી અને ચાલુ વેપાર સંવાદના પરિણામમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારત અને અમેરિકા ગાઢ મિત્રો છે. મને વિશ્વાસ છે કે આપણી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકાની ભાગીદારીની અમર્યાદિત સંભાવનાઓને ખોલવાનો માર્ગ મોકળો કરશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં યુએસ રાજદૂત તરીકેના નોમિની સર્જિયો ગોરે ગયા અઠવાડિયે તેમની સેનેટ પુષ્ટિકરણ સુનાવણી દરમિયાન નવી દિલ્હીને "વ્યૂહાત્મક ભાગીદાર" ગણાવ્યું હતું અને નવી દિલ્હી સાથે સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. ગોરે એ પણ ખુલાસો કર્યો હતો કે, ભારત અને અમેરિકા વેપાર કરારની નજીક છે.