ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતાની જ પીઠ થપથપાવીને સાત યુદ્ધો બંધ કરાવ્યાનો દાવો કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વમાં સાત યુદ્ધો અટકાવવાનો શ્રેય લીધો. તેમણે ઓપરેશન મિડનાઈટ હેમને યોગ્ય અને પેલેસ્ટાઇનને માન્યતા આપવાને ખોટું ગણાવ્યું. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે સાત યુદ્ધો બંધ કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડા, પાકિસ્તાન અને ભારત, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા, આર્મેનિયા અને અઝરબૈજાનમાં યુદ્ધોનો અંત લાવ્યો છે. "દરેક વ્યક્તિ કહે છે કે મને આ સિદ્ધિઓ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ, પરંતુ મારા માટે, વાસ્તવિક પુરસ્કાર એ છે કે લાખો લોકો હવે યુદ્ધમાં માર્યા નથી જતા," ટ્રમ્પે કહ્યું. "મને પુરસ્કારોની પરવા નથી, મને જીવન બચાવવાની પરવા છે."
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણની શરૂઆત તેમના કાર્યકાળના પ્રથમ આઠ મહિનાની "મહાન સિદ્ધિઓ" પર પ્રકાશ પાડીને કરી. તેમણે અમેરિકા તેના "સુવર્ણ યુગ" માં છે તેવું માનતા અનેક કારણોની યાદી આપી. ટ્રમ્પે તેમના કોઈપણ વિદેશ નીતિના કાર્યમાં મદદ ન કરવા બદલ સંગઠનની ટીકા કરી. તેમના બીજા કાર્યકાળમાં યુએન જનરલ એસેમ્બલીમાં આ તેમનું પહેલું સંબોધન છે, તેમણે છેલ્લે 2020 માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતી વખતે સંબોધન કર્યું હતું. ઈરાનમાં 12 દિવસના યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "અમે ઓપરેશન મિડનાઈટ હેમર દ્વારા ત્યાં ઈરાની પરમાણુ સુવિધાઓનો નાશ કર્યો. મારું માનવું છે કે કોઈ પણ ખતરનાક દેશ પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. હું એ પણ કહેવા માંગુ છું કે અમે જે કર્યું તે બીજું કોઈ કરી શક્યું ન હોત."
પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશો પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું, "કેટલાક લોકો એકપક્ષીય રીતે પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આમ કરવાનો અર્થ હમાસને પુરસ્કાર આપવાનો થશે. હમાસે વારંવાર શાંતિ પ્રયાસોને નકારી કાઢ્યા છે. આપણે બંધકોને પાછા મેળવવા પડશે. આપણે બધા 20 પાછા ઇચ્છીએ છીએ. આપણે બે કે ચાર નથી ઇચ્છતા."
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે તેમણે કહ્યું, "જો રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નહીં હોય, તો તેઓ ભારે ટેરિફ લાદશે. જો રશિયા યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરાર કરવા તૈયાર નહીં હોય, તો અમેરિકા ભારે ટેરિફ લાદવા માટે સંપૂર્ણપણે તૈયાર છે." તેમણે યુરોપિયન દેશોને પણ ઠપકો આપ્યો અને કહ્યું કે તેમણે પણ આવા જ પગલાં અપનાવીને અમેરિકામાં જોડાવું જોઈએ.