For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબો પગારથી વંચિત

05:30 PM Mar 17, 2025 IST | revoi editor
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબો પગારથી વંચિત
Advertisement
  • ગ્રાન્ટ ન મળતા તબીબી કોલેજોના કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર મળ્યો નથી
  • છેલ્લા 10 દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગને કરાતા રજુઆતો
  • વહેલીતકે ગ્રાન્ટ રિલીઝ કરવાની હૈયાધારણ અપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોના તબીબ પ્રાધ્યાપકો, અધ્યાપકોને ફેબ્રુઆરી મહિનાનો હજુ પગાર ન મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા  ગ્રાન્ટ ન મળતા પગાર કરી શકાયો નથી. જોકે બે-ચાર દિવસમાં ગ્રાન્ટ રિલીઝ થતાં જ પગાર કરી દેવામાં આવશે એવી હૈયાધારણ આપવામાં આવી રહી છે.

Advertisement

ગુજરાતની 6 સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટરોનો ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ ચૂકવાયો નથી. પરિણામે ઘણા ડૉક્ટરોના હોમ લોન, એજ્યુકેશન લોન, કાર લોનના ચેક બાઉન્સ થયા છે. ડૉક્ટરો છેલ્લા 10 દિવસથી આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગને વારંવાર રિમાઈન્ડર આપી રહ્યાં છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા હજુ ઉકેલ લાવી શકાયો નથી. આ સ્થિતિ વધુ કેટલા દિવસ ચાલશે તે અંગે પણ સ્પષ્ટતા અપાઈ નથી.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જેવી કે, બી.જે. મેડિકલ કોલેજ-અમદાવાદ, સરકારી મેડિકલ કોલેજ-બરોડા, સરકારી મેડિકલ કોલેજ-રાજકોટ, સરકારી મેડિકલ કોલેજ-ભાવનગરમાં કોઈ પણ ડૉક્ટર અથવા સ્ટાફને પગાર ચૂકવાયો નથી. સરકારી મેડિકલ કોલેજ-જામનગરમાં માત્ર 50% ડૉક્ટર અને સ્ટાફને પગાર મળ્યો છે, જ્યારે સરકારી મેડિકલ કોલેજ-સુરતમાં મોટાભાગના ડૉક્ટરોને પગાર મળ્યાનો હોવાનુ કહેવાય છે. બીજી તરફ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજો અને અર્ધ સરકારી હોસ્પિટલો પાસે પોતાનું ફંડ હોવાને કારણે પગાર ચૂકવણીની સમસ્યા સામે આવી નથી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન છેલ્લા 10 દિવસથી રજા પર છે, જેના કારણે ડૉક્ટરોની રજૂઆતો કોઈ સાંભળનાર નથી. મહિના પહેલા ડીન અને પી.જી. ડાયરેક્ટરે એક સરક્યુલર બહાર પાડ્યો હતો. જેમાં એનએમસી ઈન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે ડૉક્ટરોને રજા ન લેવા આદેશ કરાયો હતો. તેમ છતાં કેટલાક સિનિયર ડૉક્ટરોએ ધરાર રજા લીધી હતી. આ કારણે અન્ય તબીબોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. એક મહિલા સિનિયર ડૉક્ટર જયપુરમાં ફિલ્મફેર એવોર્ડ જોવા માટે ગયા હતા અને હવે તેમણે વિદેશ જવા માટે પણ રજા મૂકી છે. વિવાદ વધુ ન વકરે તે માટે બી.જે. મેડિકલ કોલેજે 12મી માર્ચે અગાઉ જાહેર કરેલો સરક્યુલર રદ કર્યો છે. આ સાથે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે કે, એનએમસીનું ઈન્સ્પેક્શન તો અચાનક અને સરપ્રાઈઝ હોય છે તો બી.જે. મેડિકલના તબીબોને તેની અગાઉથી જાણ કેવી રીતે થઈ ?

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, રિવાઈઝ બજેટ વિધાનસભામાં પસાર થયા પછી તે નાણા વિભાગમાં જાય છે, ત્યારબાદ જ સરકારી હોસ્પિટલોને ગ્રાન્ટ અપાય છે. વર્ગ 3 અને 4 ના કર્મચારીઓનો પગાર થઈ ગયો હશે, પરંતુ મોટાભાગના ડૉક્ટરોનો પગાર બાકી છે. જોકે બે-ચાર દિવસમાં બાકી પગાર ચૂકવી દેવાશે.

Advertisement
Tags :
Advertisement