પ્લેન ક્રેશમાં 92 મૃતકોના DNA મેચ થયા, મૃતકોના પરિવારોને 47 મૃતદેહ સોંપાયા
- DNA મેચ થતા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી રહી છે,
- અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર 170 કોફિન પણ તૈયાર રખાયા,
- મૃતદેહને ઘર સુધી સન્માન સાથે પહોંચડાવાની તંત્ર દ્વારા વ્યવસ્થા
અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. AI-171 પ્લેન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે મૃતકોના DNA સેમ્પલિંગ અને મેચીંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં 86 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા હતા. જ્યારે આજે સોમવારે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 92 જેટલા DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 47 મૃતદેહ તેમના પરિવારજનોને આપવામાં આવ્યા છે. જે પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. આજે સવારથી 13 મૃતદેહ લેવા તેમના પરિવારજનો આવ્યા હતા. 47 મૃતદેહ તેમના પરિવારજનોને સન્માન સાથે સોંપવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી, જરુરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવી છે. પૂર્વ CMના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ બિલ્ડિંગ પર આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળ પર આજે સતત પાંચમાં દિવસે પણ તપાસ એજન્સીઓ પહોંચી હતી. આ તપાસમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમ, અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ની ટીમ, UKની બોઇંગ સેફ્ટી ટીમ અને એર ઇન્ડિયાની ઇન્વેસ્ટિગેશન ટીમ સામેલ છે. છેલ્લા પાંચ દિવસથી આ તમામ એજન્સીઓ દ્વારા દુર્ઘટનાના કારણો શોધવા માટે સઘન તપાસ ચાલી રહી છે.
ગુજરાત પોલીસના એએસપી, એસડીઆરએફ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નોડલ ઓફિસર શીતલ ગુજરે જણાવ્યું હતું કે તાપમાન ખૂબ જ વધારે હોવાથી તે સમયે ઇમારતની અંદર જવું અને બચાવ કામગીરી હાથ ધરવી ખૂબ જ જોખમી હતી. ફાયર વિભાગે અમારી ટીમને અંદર જવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. અમે હોસ્ટેલમાં ફસાયેલા લોકો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.