ગુજરાતમાં શાળા-કોલેજોમાં કાલે સોમવારથી 21 દિવસનું દિવાળી વેકેશન
- દિવાળી વેકેશન 17મી નવેમ્બર સુધી રહેશે,
- ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા હોવાથી ધો, 10-12ના વિદ્યાર્થીને 15 દિવસનું વેકેશન,
- ટ્યુશન ક્લાસિસ પણ લાભ પાંચમથી શરૂ થઈ જશે
અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં કાલે સોમવારથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે. વિદ્યાર્થીઓને રિઝલ્ટ પણ આપી દેવાયું છે. ત્યારે કાલે સોમવારથી દિવાળી વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. યુનિવર્સિટી અને તેની કોલેજોમાં પણ કાલે સોમવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. દિવાળી વેકેશન આગામી 17 નવેમ્બરે પૂર્ણ થશે ત્યારબાદ 18 નવેમ્બર, 2024થી 4થી મે, 2025 સુધી સ્કૂલોમાં બીજુ સત્ર ચાલશે. તેમાં 127 દિવસ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જશે. ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ સાથે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલનારી હોવાથી તે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલોએ માત્ર 15 દિવસનું જ વેકેશન આપ્યું છે.
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની તમામ શાળાઓમાં શનિવાર દિવાળી વેકેશન પહેલાનો અંતિમ દિવસ હતો અને કાલે સોમવારથી 21 દિવસીય દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. બાદ 18 નવેમ્બરથી બીજા સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થશે. ગુજરાત બોર્ડની સાથે સીબીએસઇ સ્કૂલોમાં પણ વેકેશનનો આરંભ થઇ ગયો છે.
રાજ્યની તમામ યુનિવર્સિટીમાં દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. કાલે સોમવારથી વેકેશન શરૂ થતું હોવાથી બોઇઝ હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીઓને વેકેશનમાં પોતાના રૂમ બંધ કરી તાળું મારવાની સાથે ચાવી જમા કરાવવાનો આદેશ કરાયો છે. જ્યારે પીએચડી કરતા વિદ્યાર્થીઓ કે અન્ય રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓએ કોઇ કારણોસર હોસ્ટેલમાં રહેવાનું થાય તો તેમણે ફોર્મ ભરીને યુનિવર્સિટીમાં જમા કરાવવાના રહશે અને હંમેશા આઇડી કાર્ડ સાથે રાખવાનું રહશે. અન્યથા વિદ્યાર્થીને યુનિવર્સિટી કેમ્પસમાં આવવા દેવામાં આવશે નહીં.