બનાસકાંઠાનું વિભાજન અને થરાદ નવો જિલ્લો બનતા કહીં ખૂશી કહીં ગમ
- ધાનેરા, કાંકરેજ અને દીયોદરે કર્યો વિરોધ,
- કાંકરેજને બનાસકાંઠા કે પાટણ સાથે રાખો થરાદ સાથે તો નહીં જ,
- શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો
પાલનપુરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના બે ભાગ પાડીને જિલ્લાનું વિભાજન કરતા લોકોમાં કહીં ખૂશી કહીં ગમ જોવા મલી રહ્યો છે. જિલ્લાના ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ નવા જિલ્લા સાથે જોડાવવાનો ઉગ્ર વિરોધ કર્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. તેમજ શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લોકો કહી રહ્યા છે. કે ભાજપએ રાજકીય ફાયદો મેળવવા માટે જિલ્લાનું વિભાજન કર્યું છે પણ તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થશે. દરમિયાન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઇએ દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. ધાનેરાના મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓ ને પણ અભ્યાસ માટે ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે પણ અનુકૂળ છે.
બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ ઉભો થયો છે. શિહોરીમાં આગેવાનોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે. સરકાર આ નિર્ણય પરત ખેંચી કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવા માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિકોએ રસ્તા પર ઉતરી કાંકરેજ અને શિહોરીના બજારો બંધ રાખવા ચીમકી ઉચ્ચારી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે.
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે, બનાસકાંઠા ગુજરાતનો બીજા નંબરનો મોટો જિલ્લો હતો. એનું વિભાજન કરાતા નાનો જિલ્લો બના ગયો છે. જોકે થરાદના લોકોએ સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે.