હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મેમનગર ગુરુકુલમાં 'તીર્થ માટી યાત્રા'થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

11:18 AM Nov 25, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી 'મહાવિષ્ણુયાગ'ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, '૧૦૦૮ તીર્થોની માટી યાત્રા'નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે ઇતિહાસ રચાયો.

Advertisement

સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પવિત્ર પ્રેરણાથી યોજાઈ રહેલા આ મહાયજ્ઞ મહોત્સવમાં, યજ્ઞશાળાના નિર્માણ માટે ભારતના ૧૦૦૮ પાવન તીર્થધામોની માટીનો સંગ્રહ કરવાનો વિરાટ સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આપણી સંસ્કૃતિમાં માટી માત્ર ધરતીનો અંશ નથી, પણ તે પવિત્ર તીર્થક્ષેત્રોની અખંડ ઊર્જાનું પ્રતીક છે. તીર્થભૂમિની માટીમાં સંતોના તપ, ઋષિઓના આશીર્વાદ અને કરોડો ભક્તોની શ્રદ્ધાનો સંગમ થયેલો હોય છે. આ માટીને યજ્ઞશાળાના પાયામાં સ્થાપિત કરવાનો અર્થ છે – યજ્ઞને સમગ્ર ભારતની પવિત્રતા અને આધ્યાત્મિક ચેતનાથી સિંચવો. આ પાવન રજકણો યજ્ઞના પ્રત્યેક અગ્નિમાં ભારતવર્ષની એકતા અને સનાતન ધર્મની મહાનતાનું ગાન કરશે.
છ માસના લાંબા સમયગાળા દરમિયાન, ગુરુકુલના કર્મઠ સ્વયંસેવકોએ ઉત્તરમાં બદરીનાથના હિમાચ્છાદિત શિખરોથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમ્ના સાગર કિનારા સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીના રથોત્સવની ભૂમિથી પશ્ચિમમાં દ્વારકાધીશની નગરી સુધીની અખંડ યાત્રા ખેડી. આ યાત્રામાં અનેક તીર્થો, પુણ્યસલિલા નદીઓ અને પવિત્ર સરોવરોની માટીનું ભક્તિભાવપૂર્વક સંકલન કરવામાં આવ્યું. આ માત્ર માટીનો સંગ્રહ નહોતો, પણ ભારતની આત્મિક ધરોહરનો ઐતિહાસિક સંગમ હતો.

Advertisement

તા. 23 નવેમ્બર, 2025ના રોજ, અમદાવાદ ગુરુકુલ રોડ પર આવેલ એચ.બી. કાપડિયા સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડથી આ સંગ્રહાયેલી માટીની ભવ્ય-દિવ્ય 'તીર્થ માટી યાત્રા'નો પ્રારંભ થયો. અહીંનું દ્રશ્ય અતિશય મનમોહક હતું. હજારો સંતો-વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો - સૌ કોઈ પીળાં વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા, જાણે ધરતી પર શ્રદ્ધાનો પીળો દરિયો ઉમટ્યો હોય. પ્રત્યેક ભક્તજનોએ આ ૧૦૦૮ તીર્થોની માટીને શણગારેલી મંગલમય ટોપલીઓમાં રાખી, તેને પોતાનાં મસ્તક ઉપર સન્માનસહ ધારણ કરી હતી. ડી.જે.ના ભક્તિસભર તાલે ઝૂમતા અને 'સ્વામિનારાયણ'મહામંત્રની ધૂન-ભજનના મંગલ નાદ કરતા, સહુ ભક્ત સમૂહ ગુરુકુલ તરફ આગળ વધ્યો. આ દૃશ્યમાન દિવ્યતા અને શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ જોવા માટે માર્ગની બન્ને બાજુએ જનમેદની ઉમટી પડી હતી.

https://www.revoi.in/wp-content/uploads/2025/11/VID-20251125-WA0009.mp4

જ્યારે માટી યાત્રા ગુરુકુલના પ્રાંગણમાં પ્રવેશી, ત્યારે તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુરુકુલનું વાતાવરણ જાણે ૧૦૦૮ તીર્થોની ઊર્જાથી તરબોળ થઈ ગયું. યજ્ઞશાળાના પ્રાંગણમાં વિશાળ મંચ પર, કલાત્મક રીતે ગોઠવેલા સ્ટેપ (પગથિયાં) પ્રમાણે આ પવિત્ર તીર્થ માટીઓને સ્થાપિત કરવામાં આવી. આ સમયે સર્જાયેલું દૃશ્ય અનોખું અને અદ્ભુત હતું.

પ્રારંભમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ સંવાદ દ્વારા, કયા કયા તીર્થોમાંથી કેવી રીતે અને કયા સંકલ્પે માટી આવી તેની રસપ્રદ માહિતી આપી. ત્યારબાદ ભક્તિસભર નૃત્ય રજૂ કરી, ભાવપૂર્વક આ તીર્થની માટીઓને પુષ્પવૃષ્ટિથી વધાવી. આ સમયે, ખીચોખીચ ભરેલા ગુરુકુલ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો ભક્તજનોએ એક સાથે ધ્વજ લહેરાવીને તીર્થ માટીના વધામણાંમાં પોતાનો ભાવ ઉમેર્યો, જે દૃશ્ય જાણે મહાસાગરના ઘોષ જેવું લાગતું હતું.

આ દિવ્ય અવસરે પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું: "આજનું આ માટીયાત્રાનું દૃશ્ય એટલું બધું દિવ્ય છે કે, જેના હૃદયમાં આ સ્મૃતિ અંકિત થઈ જશે, તેનું કલ્યાણ સુગમ થઈ ગયું છે. જે ભક્તજનો આ માટીયાત્રામાં જોડાયા છે, તેમને સર્વ તીર્થોની યાત્રા કર્યાનું અનંત ફળ પ્રાપ્ત થશે. આજે ગુરુકુલનું આંગણું સ્વયં તીર્થ સ્વરૂપ બની ગયું છે."

સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજીએ આ પ્રસંગને ન ભૂતો ન ભવિષ્યતિ ગણાવતા જણાવ્યું હતું : "સમગ્ર ધર્મજગતમાં સંભવત: આ પહેલી વાર બન્યું હશે કે, એક સાથે ૧૦૦૮ તીર્થોની માટી એક જગ્યાએ ભેગી થઈ હોય અને તેની આવી ભવ્ય યાત્રા યોજાઈ હોય. અનેક તીર્થો અહીં આપણને સાક્ષાત દર્શન દેવા પધાર્યા છે. આજે આપણું ગુરુકુલ ખરેખર તીર્થ સ્વરૂપ બની ગયું છે."

પરમ પૂજ્ય સ્વામીજીએ આ યાત્રાના રાષ્ટ્રીય મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું કે, આ યાત્રા માત્ર ધાર્મિક નહિ, પણ અખંડ ભારતની ભાવનાનું પ્રતિક છે. આજે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ગુરુકુલના આંગણે ૧૦૦૮ તીર્થોની માટીનું આગમન થવું એ માત્ર સંયોગ નહિ, પણ એક મહત્વનો સંદેશ છે. આ તીર્થોની માટી એ વાતનો સાક્ષી છે કે, ભલે આપણા પ્રાંતો અલગ હોય, ભાષાઓ અલગ હોય, પણ આપણી સંસ્કૃતિ, આપણાં તીર્થો અને આપણી રાષ્ટ્ર ભાવના - આ ભારતભૂમિની આત્મા એક જ છે.

આ યજ્ઞશાળાના પાયામાં સ્થપાનારી માટી દેશના પ્રત્યેક નાગરિકને ધર્મની સાથે દેશભક્તિનો પાઠ ભણાવશે. પૂજ્ય સ્વામીજીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કાવ્ય રચના સોગંધ મુજે ઇસ મિટ્ટીકીનું ગાન કરી સભાને વિશેષ દેશભક્તિનો રંગ ચડાવ્યો હતો. આમ, ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના સુમધુર સમન્વય સાથે આ 'તીર્થ માટી યાત્રા'એ ગુરુકુલના સુવર્ણ જયંતી મહોત્સવને એક અલૌકિક અને ઐતિહાસિક ઓપ આપ્યો.

Advertisement
Tags :
1008 tirth51 kundi yagnadharmaGujarat newsGurukulMaati yatraMemnagar Swaminarayan Gurukulreligious newsSwaminarayanTirth Maati Yatra
Advertisement
Next Article