ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાતઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયોએનર્જી એન્ડ ટેક એક્સ્પોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65 ટકા વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છે, જ્યારે GDP માં તેમનું યોગદાન ફક્ત 14 ટકા છે. તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવ ન મળવાને કારણે ગરીબી અને બેરોજગારી વધે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક બજારો ખાંડ, મકાઈ, તેલ અને સોયાબીન જેવા પાકોના ભાવ નક્કી કરે છે, જેના કારણે ભારતીય ખેડૂતો સંવેદનશીલ રહે છે. ગ્રામીણ, કૃષિ અને આદિવાસી અર્થતંત્રોને સુરક્ષિત રાખવા માટે આવી પહેલો દ્વારા કૃષિને ટેકો આપવો અને બાયોએનર્જીને પ્રોત્સાહન આપવું જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.