પોલીસ કર્મચારીઓને રજાનો પગાર 7માં પગારપંચ મુજબ ન મળતા અસંતોષ
- અન્ય કર્મચારીઓને લાભો મળે છે, તો પોલીસ કર્મચારીઓને કેમ નહી?,
- પોલીસ વિભાગમાં રજુઆતો છતાયે પ્રશ્નનું નિરાકરણ આવતું નથી,
- રજાનો પગાર 6ઠ્ઠા પગાર પંચ મુજબ ચુકવાય છે
ગાંધીનગરઃ પોલીસ કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ રજાનો પગાર ચૂકવવામાં આવતો નથી, હજું 6ઠ્ઠા પગાર પંચ મુજબ જ રજાનો પગાર ચૂકવવામાં આવે છે. આ અંગે કર્મચારીઓએ અનેકવાર રજુઆતો કરી છે. પણ કહેવાય છે. કે, નાણા વિભાગે પરિપત્ર મોકલ્યો ન હોવાથી 6ઠ્ઠા પગાર પંચ મુજબ રજાનો પગાર ચુકવવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગમાં કર્મચારીઓનું મંડળ કે યુનિયન ન હોવાથી અને શિસ્ત કેડર ગણાતી હોવાથી પોલીસ કર્મચારીઓ યોગ્યરીતે રજુઆતો પણ કરી શકતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કર્મચારીઓને સાતમુ પગાર પંચ અમલમાં આવતા તમામ ભથ્થા સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે છે. પરંતુ પોલીસ કર્મચારીઓને રજા પગાર સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવતો નથી. જેથી ગાંધીનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં ભથ્થા બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં રજૂઆત કરવા છતા કોઇ નિરાકરણ લાવવામાં આવતુ નથી. રાજ્ય સરકારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપવામાં આવ્યુ છે. તે ઉપરાંત તેમના પગાર ભથ્થા પણ સાતમાં પગાર પંચ મુજબ ચૂકવવામાં આવી રહ્યા છે. ત્યારે એક જ રાજ્યમાં કર્મચારીઓમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર સાતમાં પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે છે. પરંતુ રજાનો પગાર હજુ છઠ્ઠા પગાર પંચ મુજબ ચૂકવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસ કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબ રજા પગાર ચૂકવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ઉપરી અધિકારીઓ દ્વારા તે બાબતે મગનુ નામ મરી પાડવામાં આવ્યુ નથી. અગાઉ રજૂઆત કરવામાં આવતા કહ્યુ હતુ કે, તમારા ભથ્થા સાતમાં પગાર પંચ મુજબ ચૂકવવામાં આવતા નથી, જેથી રજા પગાર છઠ્ઠા પગાર પંચ મુજબ થશે.