એલએસી પર કેટલાક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 'દેશ કા વલ્લભ' અને મેજર રાલેંગનાઓ 'બોબ' ખથિંગ 'વીરતા સંગ્રહાલય'ને રાષ્ટ્રને સમર્પિત કર્યાં. રક્ષામંત્રીએ આસામના તેજપુરમાં 4 કોર્પ્સ હેડક્વાર્ટરથી ઉદ્ઘાટન કર્યું હતું. તે તવાંગની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ જઈ શક્યા નહીં. આ અનાવરણ પ્રકાશના ઉત્સવ 'દીપાવલી' તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ' સાથે સુસંગત હતું, જે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.
રક્ષા મંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત એલએસી સાથેના કેટલાક વિસ્તારોમાં જમીની સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે ભારત અને ચીન દ્વારા પ્રાપ્ત વ્યાપક સર્વસંમતિનો ઉલ્લેખ કરીને કરી હતી. રાજનાથ સિંહે કહ્યું, "ભારત અને ચીન એલએસી સાથેના કેટલાક વિસ્તારોમાં મતભેદોને હલ કરવા માટે રાજદ્વારી અને લશ્કરી બંને સ્તરે વાટાઘાટો કરી રહ્યા છે. વાટાઘાટોના પરિણામે, સમાન અને પરસ્પર સુરક્ષાના આધારે એક વ્યાપક સર્વસંમતિ વિકસિત કરવામાં આવી હતી. આ સર્વસંમતિમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચરિયાણના અધિકારોનો સમાવેશ થાય છે. આ સર્વસંમતિના આધારે ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારા પ્રયત્નો એ રહેશે કે આ બાબતને ડિસએન્ગેજમેન્ટથી આગળ લઈ જઈએ; પરંતુ તે માટે, આપણે થોડી વધુ રાહ જોવી પડશે."
રાજનાથ સિંહે આઝાદી પછી 560થી વધારે રજવાડાઓને એક કરવામાં તેમની મહત્વની ભૂમિકાને સ્વીકારીને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાતા સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સિદ્ધિ તેમના અદમ્ય સંકલ્પ અને અખંડ ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે, "આ પ્રતિમા 'દેશ કા વલ્લભ' લોકોને એકતાની તાકાત અને આપણા જેવા વૈવિધ્યસભર રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી અતૂટ ભાવનાની યાદ અપાવતા લોકોને પ્રેરણા આપશે."
રક્ષા મંત્રીએ પૂર્વોત્તર ક્ષેત્ર અને રાષ્ટ્રીય સુરક્ષામાં અમૂલ્ય યોગદાન આપનાર અસાધારણ વ્યક્તિ મેજર બોબ ખથિંગને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. "મેજર ખથિંગે તવાંગના ભારતમાં શાંતિપૂર્ણ એકીકરણની આગેવાની લીધી હતી એટલું જ નહીં, પરંતુ સશસ્ત્ર સીમા દળ, નાગાલેન્ડ સશસ્ત્ર પોલીસ અને નાગા રેજિમેન્ટ સહિત આવશ્યક સૈન્ય અને સુરક્ષા માળખું પણ સ્થાપિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘વીરતા સંગ્રહાલય’ હવે તેમની બહાદુરી અને દૂરંદેશીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ઊભું છે, જે આવનારી પેઢીઓને પ્રેરિત કરે છે.
રાજનાથ સિંહે એકતા અને સંવાદિતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા દેશની ઓળખમાં પૂર્વોત્તરની વિશિષ્ટ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંપૂર્ણ વિસ્તારનાં આર્થિક અને માળખાગત વિકાસને સુનિશ્ચિત કરવાનાં વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે પૂર્વોત્તર સમૃદ્ધ થાય. અમે પૂર્વોત્તરનું નિર્માણ કરીશું, જે માત્ર કુદરતી અને સાંસ્કૃતિક જ નહીં, પણ આર્થિક રીતે પણ મજબૂત અને સમૃદ્ધ હોય."
રક્ષા મંત્રીએ પ્રદેશની પ્રગતિમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસામ અને તવાંગને જોડતી સેલા ટનલનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો, આ પ્રોજેક્ટ પૂર્વોત્તર ક્ષેત્રોમાં કનેક્ટિવિટીમાં વધારો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આગામી સમયમાં અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર્વોત્તર ક્ષેત્રને, ખાસ કરીને સરહદી વિસ્તારોને જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 2,000 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ હાઇવે આ વિસ્તાર તેમજ સંપૂર્ણ દેશ માટે મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક અને આર્થિક સંપત્તિ સાબિત થશે."
રાજનાથ સિંહે એનસીસીની પહેલો અને સ્થાનિક આર્થિક સમર્થનથી માંડીને આપત્તિમાં રાહતનાં મહત્ત્વપૂર્ણ પ્રયાસોમાં સશસ્ત્ર દળોનાં જોડાણની પણ પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, "સશસ્ત્ર દળો માત્ર સુરક્ષા જ પૂરી પાડતા નથી, પરંતુ સરહદી વિસ્તારોના લોકોને સહકાર આપીને તે ક્ષેત્રમાં વિકાસ માટેનું માધ્યમ પણ બને છે. આ ઉત્તરપૂર્વમાં વિકાસ, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.