સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલથી જ પસંદ કરેલી કોલેજોમાં સીધો પ્રવેશ મળશે
- કોલેજ અને કોર્ષ મુજબ મેરીટ યાદી જાહેર કરાશે
- પ્રવેશ પ્રકિયામાં યુનિવર્સિટીનો કોઈ રોલ નહીં રહે
- વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરીટમાં નામ આવશે
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને પસંદ કરેલી કોલેજમાં મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ GCAS પોર્ટલથી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સમર્થ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સમગ્ર એડમિશન પ્રક્રિયા ડી સેન્ટ્રલાઇઝ થવાથી હવે GCAS પર રજિસ્ટ્રેશન બાદ કોલેજ દ્વારા જ સીધો પ્રવેશ આપવામાં આવશે. એડમિશન પ્રક્રિયામાં યુનિવર્સિટીનો કોઈ રોલ રહેશે નહીં,.
ગુજરાતમાં ધોરણ 12 પછી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થશે. તમામ 16 જેટલી સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે બાદ યુનિવર્સિટીઓ તેમની નિર્ધારિત કરેલી પ્રક્રિયા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા આગળ વધારશે. જે પૈકી ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયા બાદ એડમિશનની જવાબદારી કોલેજોને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ થયા બાદ જીકાસ પોર્ટલ દ્વારા જે તે કોલેજ અને કોર્સ પ્રમાણે મેરીટ યાદી બહાર પાડશે. આ મેરીટ યાદી વિદ્યાર્થીઓ અને કોલેજ તેમના ડેશબોર્ડ પર જોઈ શકશે.
પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને મેરીટ યાદી પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેમને પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરીટ યાદીમાં નામ આવશે, મતલબ કે વિદ્યાર્થીએ પાંચ કોલેજ પસંદ કરી હશે તો પાંચ કોલેજમાં તેમનું નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે. અત્યાર સુધી કોમન એડમિશન પ્રોસેસમાં વિદ્યાર્થીનું તેમને પસંદ કરેલા કોર્સ માટે કોમન મેરીટ તૈયાર થતું હતું. પરંતુ હવે તેમાં આ મોટો બદલાવ આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીકાસ લોન્ચ કર્યું હતું. જોકે, તેમાં અનેક ત્રુટી હોવાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા, પરંતુ હવે તેમાં રહેલી ખામીઓ દૂર કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જીકાસના કોમન પોર્ટલ થયા બાદ ડી સેન્ટ્રલાઈઝ એટલે કે કોલેજોને જ પ્રવેશ પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવશે.