ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ અપર્ણ કરી હતી. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, દેશ તેમના પ્રતિષ્ઠિત નેતાના નિધનથી શોકાતુર છે. મનમોહન સિંહજી સામાન્ય પરિવારમાંથી આગળ વધ્યા અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે વર્ષો સુધી સરકારી પદ ઉપર કામ કર્યું અને આપણી આર્થિક નીતિ ઉપર મજબૂત છાપ છોડી. તેમણે લોકોના જીવનને ઉત્તમ બનાવવાના વ્યાપક પ્રયાસ કર્યા હતા
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીનું અવસાનના સમાચાર મળતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મનમોહન સિંહજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ સ્વર્ગસ્થ મનમોહન સિંહજીને સોશિયલ મીડિયા ઉપર પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહજીની તસવીરો શેર કરીને તેમના વિવિધ ઉત્તમ પ્રદાન બદલ શ્રદ્ધાંજલિ પાઠવીને લખ્યું હતું કે મેં મારા ઉત્તમ માર્ગદર્શક ગુમાવ્યા છે.તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.