સુરતમાં ડાયમન્ડ કંપનીમાં તિજોરી કટરથી કાપીને 25 કરોડની કિમતના હીરાની ચોરી
- તહેવારોમાં સિક્યોરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ બિંદાસ્તથી ચોરી કરી,
- કરોડો રૂપિયાના હીરા અને રોકડની ચોરીથી હીરા ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ,
- તસ્કરો CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા,
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુ કિંમતના હીરા અને રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા છે. હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, ત્યારે મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના બની છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
સુરત શહેરના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે CCTV-DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ DCP, ACP, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જન્માષ્ટમીની રજામાં કંપનીનો સિક્યુરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ તેનો લાભ લીધો હતો.
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ હતી. ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં. તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાના કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ CCTV કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું હતુ. ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ ઘટનામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ ચોરોએ ત્રણ લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી. તિજોરીમાં 12 ઈંચ બાય 10 ઈંચનો ઘોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા. ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા, જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય. ચોરીની ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે DCP અને ACP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને FSL ની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.