સુરતમાં 13 લાખથી વધુના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, રત્નકલાકારની ધરપકડ
- મંદીને લીધે બેકાર બનેલા રત્ન કલાકારે ચોરી કરી હતી,
- ડુપ્લીકેટ ચાવીથી શટર ખોલીને ડ્રોઅર તોડીને હીરાની ચોરી કરી હતી,
- પોલીસે ચોરીની મેથડ જોતા જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ કરી હતી
સુરતઃ શહેરમાં વરાછા વિસ્તારમાં મીની બજારના હીરા વેપારીની ઓફિસમાં 13 લાખથી વધુની કિંમતના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને શટર ખોલીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરાની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. પોલીસને ચોરીની મેથડ જોતા કોઈ જાણભેદુ હોવાની શંકા પ્રબળ બનતા તેના આધારે તપાસ કરતા અગાઉ રત્ન કલાકાર તરીકે નોકરી કરતો અને હાલ મંદીને કારણે બેકાર બનેલા રત્નકલાકારની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રાધે રેસીડેન્સીમાં રહેતા સંજય કરશનભાઈ ગાબાણી વરાછા મીની બજાર સરદાર આવાસમાં હીરાના ખરીદ-વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. છેલ્લા આઠ મહિનાથી તેઓ આ ઓફિસ ભાડે ચલાવી રહ્યા છે, જ્યાં ત્રણ કારીગરો કામ કરે છે. ગત 24 સપ્ટેમ્બર 2025ના દિવસે સંજયભાઈ સવારે 10 વાગ્યે ઓફિસ આવ્યા અને રાત્રે 10 વાગ્યા સુધી ત્યાં હાજર હતા.સંજયભાઈને રાતે મોડું થતાં તેઓ હીરાના પેકેટને મિત્ર રાજેશભાઈ નારણભાઈ હિરપરાના સેફમાં મૂકવા ન ગયા અને તેને ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રાખીને તાળું મારીને ઘરે ગયા હતા. ઘરે પહોંચીને આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું. તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યે બાદ અજાણ્યા વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કરીને સીસીટીવીમાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું. આથી સંજયભાઈ તરત જ ઓફિસ પર પહોંચતા શટરનું તાળું ખૂલેલી હાલતમાં હતું, જે બાદ અંદર જતા ટેબલના ડ્રોઅરનું તાળું તોડેલું જોવા મળ્યું અને હીરાના પેકેટ ગુમ હતા. અન્ય કેટલાક હીરા ત્યાં પડેલા હતા, પરંતુ ચોરીનું પૂરું અંદાજ મેળવવા માટે તેઓએ મેનેજર રુત્વિકભાઈ દેવશીભાઈ ધેડીયા સાથે રેકોર્ડ તપાસ્યા હતા. તપાસમાં 13.65 લાખના 6129 કેરેટ હીરા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
સંજયભાઈએ તપાસ કરતા માલમ પડ્યું હતું કે, ચોરે ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી, અંદર પ્રવેશ કરીને કોઈ સાધનથી ડ્રોઅર તોડીને હીરાની ચોરી કરી હતી. આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ ગુનો નોંધી જાણ ભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચોરી પૂર્વ કારીગરે જ કરી છે. આખી ઓફિસથી વાકેફ હોવાથી તેણે મુખ્ય શટલના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી મોકો જોઈ હીરા ચોરી ગયો હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.