ધોરાજીના છાડવાવદરમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલ બંધ છતાંયે તંત્રને કંઈ ખબર નથી
- કાગળ પર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલના ટ્રસ્ટી મંડળને ડીઈઓએ આપી નોટિસ,
- સ્કૂલ બંધ છતાંયે 54 વિદ્યાર્થીઓનું ભૂતિયા રજિસ્ટર,
- મહિલા આચાર્ય અને કારકૂનના પગારની રિકવરી માટે નોટિસ
રાજકોટઃ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ શાળા બંધ હોવા છતાંયે સરકાર દ્વારા ગ્રાન્ટ ચુકવવામાં આવતી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને 10 વર્ષથી શાળા બંધ હોવા છતાંયે કોઈ જાણ ન હતી તે આશ્વર્જનક છે. આ અંગે ગ્રામજનોનો ઉહાપો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. અને શાળા સંચાલકને તેમજ શાળાના આચાર્ય અને કારકૂનને નોટિસ આપીને ખૂલાશો માગવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલ ગામની વચ્ચે જે. જે. કાલરીયા નામની ગ્રાન્ટેડ શાળા કાગળ પર ચાલતી હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. 20 દિવસ પહેલા ગ્રામજનોની નનામી અરજીના આધારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આ શાળા છેલ્લા 3 માસથી બંધ છે અને અહીં ધો.-9 અને 10ના 30 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં એક મહિલા આચાર્ય અને ક્લાર્ક છે. જેને પગાર સરકાર ચૂકવી રહી છે. જોકે ગ્રામજનોએ આ શાળા 10 વર્ષથી બંધ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ છાડવાવદરની જે જે કાલરિયા ગ્રાન્ટેડ શાળામાં ધો. 9 અને 10માં 54 વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે તેવું કાગળ પર દર્શાવતા ટ્રસ્ટી મંડળને શાળા બંધ શા માટે ન કરવી તેની નોટિસ રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવી છે. જ્યારે ઘરે બેઠા વર્ષોથી સરકારનો પગાર લેતા આચાર્ય અને ક્લાર્કને પગારની રિકવરી શા માટે ન કરવી એવી નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો છે.
રાજકોટના ઇન્ચાર્જ ડીઈઓ કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધોરાજીના છાડવાવદર ગામે કાગળ ઉપર સ્કૂલ ચાલતી હોવાની અગાઉ ફરિયાદ મળી હતી જેના આધારે આઠ જેટલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ આપવામાં આવેલો છે ત્યારે હાલ આ શાળા શા માટે બંધ ન કરી દેવી તે પ્રકારની નોટિસ ટ્રસ્ટી મંડળને આપવામાં આવી છે તો સાથે જ શાળાના આચાર્ય અને ક્લાર્કને એ પ્રકારની નોટિસ આપાઇ છે કે આપના પગારની રિકવરી શા માટે ન કરવી અને આ નોટિસ નો જવાબ ત્રણ દિવસમાં આપવાનો રહેશે જે જવાબ બાદ એક્શન લેવામાં આવશે. આ શાળામાં માત્ર નામના જ વિદ્યાર્થીઓ આવતા હોવાનો અને શાળા અનેક ગ્રાન્ટ અને શિષ્યવૃતિનો પણ લાભ લેતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.