For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો, સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું

05:19 PM Oct 31, 2025 IST | Vinayak Barot
માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો  સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું
Advertisement
  • પંચમહાલનો પાનમ ડેમની સપાટી પણ રૂલ લેવલ પર પહોંચી,
  • પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ,
  • ખેડૂતોને હવે ઉનાળાના અંત સુધી સિચાઈ માટેનું પાણી મળી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. આ ઉપરાંત વરસાદને લીધે પંચમહાલના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. પંચમહાલનો પાનમ ડેમ પણ રુલ લેવલની નજીક પહોંચતા ડેમમાંથી 4984 ક્યૂસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.

Advertisement

સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા માવઠાને કારણે મહેસાણા જિલ્લાનો મહત્ત્વપૂર્ણ ધરોઈ ડેમ 100 ટકા છલોછલ ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી 622 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે. ઉપરવાસમાંથી સતત 3450 ક્યૂસેક પાણીની આવક થઈ રહી હોવાથી, વહીવટી તંત્રએ જળસ્તર નિયંત્રિત કરવા માટે ડેમનો એક દરવાજો 0.65 મીટર સુધી ખોલવો પડ્યો છે. આ દરવાજા દ્વારા હાલમાં સાબરમતી નદીમાં 3450 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ભરાઈ જતાં આગામી સમય માટે પાણીની ચિંતા હળવી થઈ છે, પરંતુ તંત્રએ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે.

આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ગુરૂવારની સાંજે (30 ઓક્ટોબર) પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ હતી. પાનમ ડેમની જળસપાટી તે સમયે 127.40 મીટર હતી, જ્યારે ડેમનું રુલ લેવલ અને ભયજનક સપાટી 127.41મીટર હતું. રુલ લેવલ જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેતાં વહીવટી તંત્રે પાનમ ડેમનો એક ગેટ 3.5 ફૂટ સુધી ખોલી નાખ્યો હતો અને ડેમમાંથી 4984 ક્યૂસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું. એક તરફ જળાશયોમાં પાણીની આવકથી રાહત મળી છે, તો બીજી તરફ રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને થયેલા નુકસાનને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement