સુરતમાં અમરેલી લેટરકાંડના મુદ્દે કોંગ્રેસના ધરણાં પહેલા જ ધાનાણી-દૂધાતની અટકાયત
- પાયલ ગોટી મામલે કોંગ્રેસ આરપારના મૂડમાં
- પાટિદાર યુવતીની રાત્રે ધરપકડ કરાતા ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
- અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્તરાયને સોંપાઈ
સુરતઃ અમરેલીમાં ભાજપના બે નેતાઓની લડાઈમાં કથિત લેટકકાંડને મામલે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી પાટિદાર યુવતીની રાત્રે ધરપકડ અને વરઘોડો કાઢવાના મામલે કોંગ્રેસે અમરેલીમાં ઘરણા કર્યા બાદ સુરતમાં ધરણા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણાં કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
અમરેલીમાં પાટિદાર યુવતીની રાત્રે ધરપકડ અને વરઘોડો કાઢવાના મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે, ખૂદ ભાજપના આગેવાનો કહી રહ્યા છે. કે, પોલીસે યુવતીની ધરપકડ કરવામાં ઉતાવળ કરી છે. અને રાતના સમયે મહિલાની ધરપકડ કરી શકાય નહીં, આમ પોલીસ સામે માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા સુરતના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એકશનમાં જોવા મળી રહી છે.
સુરતમાં કોંગ્રેસ દ્વારા આજે માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનેલી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરવામાં આવી હતી.જોકે સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, જેને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમે ગમે ત્યારે ધરણાં ઉપર આવીને બેસી જઈશું. જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.