ડાકોરમાં રણછોડરાયજીના મંદિરના શીખર પર ભાવિકો ધજા ચડાવી શકશે
- ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દેવ દેવાળીથી કરાયો નિર્ણય,
- હવે ભાવિકોને મંદિર દ્વારા વિના મૂલ્યે ભોજન અપાશે.
- આજે દેવ દેવાળીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં હવે ભાવિકો ધજા ચઢાવી શકશે. આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવિકો મંદિરના શિખર પર ધજા ચડાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે કાર્તિકી પૂનમને લીધે ડાકોરમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભગવાનને દ્વારિકાથી ડાકોર આવ્યાને આજે 869 વર્ષ પૂર્ણ થયા છે. 870 વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો માટે વિશેષ ભેટ આપવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત હવે ભક્તો ડાકોર મંદિરમાં ધજા ચઢાવી શકશે. હવે સામાન્ય વ્યક્તિ પણ પોતાની યથાશક્તિ ભેટ ડાકોરના ઠાકોરના ચરણોમાં મૂકી શકશે. ભક્તો હવે મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશે. મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો યથાવત રાખવામાં આવ્યો છે. નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્તો હવે ધજા ચઢાવી શકશે.
મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ઠાકોરજીના મંદિરના શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો 500 રૂપિયા રાખવામાં આવ્યો છે. ડાકોરના રણછોડજી મંદિરમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ રહેલુ છે. ત્યારે ટેમ્પલ કમિટીના આ મહત્વ નિર્ણયને ભાવિકોએ વધાવી લીધો છે.
તાજેતરમાં જ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો હતો કે, રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. ભક્તોએ આ નિર્ણયને પણ આવકાર્યો છે.