અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ખુલ્લા હાથે કરી રહ્યાં છે દાન, વિદેશી શ્રદ્ધાળુઓએ કર્યું 57 લાખનું દાન
લખનૌઃ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. રામલલાના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મહાકુંભ દરમિયાન, રામ મંદિરમાં દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ દેખાઈ રહી છે. તેમજ ટ્રસ્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં, ટ્રસ્ટે વધુ 4.29 એકર જમીન ખરીદી છે.
શ્રી રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં 36.61 કરોડ રૂપિયાની 4.29 એકર જમીન ખરીદી છે. આ જમીન અયોધ્યામાં જ હૈબતપુરમાં પાંચ જગ્યાએ ખરીદવામાં આવી છે. આમાંથી એક જગ્યાએ ટ્રસ્ટે 11194 ચોરસ ફૂટ જમીન ખરીદી છે, જ્યારે બીજી જમીન 5457 ચોરસ ફૂટની છે. આ ઉપરાંત, અન્ય ત્રણ જમીનો 1707 ચોરસ ફૂટ, 3391 ચોરસ ફૂટ અને 5516 ચોરસ ફૂટની છે. આ ઉપરાંત, રાણોપાલીમાં 5,490 ચોરસ ફૂટની જમીન પણ ખરીદવામાં આવી છે.
તાજેતરના સમયમાં રામ મંદિર માટે મળતા દાનમાં પણ ઝડપથી વધારો થયો છે. મહાકુંભ દરમિયાન આ વધારો વધુ થયો છે. મળતી માહિતી મુજબ, મહાકુંભ દરમિયાન, વિશ્વભરના ભક્તો રામ મંદિરમાં રામ લલાના દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે ઉદાર હાથે દાન પણ આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન, રામ મંદિરને છ દેશોમાંથી 57 લાખ રૂપિયાનું વિદેશી દાન મળ્યું હતું. રામ મંદિરને જાન્યુઆરીમાં 6 લાખ રૂપિયા અને ફેબ્રુઆરીમાં 51 લાખ રૂપિયાનું વિદેશી દાન મળ્યું હતું.
દાન આપનારા દેશોમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને મલેશિયાનો સમાવેશ થાય છે. એપ્રિલ 2023 થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, રામ મંદિરને 10.43 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. રામ મંદિરમાં આવતા ભક્તોને કારણે, આસપાસના વ્યવસાયમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે. અયોધ્યામાં લોકોએ નાની નાની નોકરીઓથી ઘણા પૈસા કમાયા છે. મહાકુંભ દરમિયાન, અયોધ્યામાં લગભગ 2500 કરોડ રૂપિયાનો વ્યવસાય થયો હતો.