દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ફડણવીસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
- મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે
અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રને તેના વિકાસ અને ભવિષ્ય માટે દેવેન્દ્ર ફડણવીસની જરૂર છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે મહાયુતિના નેતાઓ બપોરે 3:30 વાગ્યે ગવર્નર હાઉસ જશે. મહારાષ્ટ્ર બીજેપી નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, મહાયુતિના સાથી પક્ષો રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવા બુધવારે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળશે. ભાજપે પહેલેથી જ જાહેરાત કરી હતી કે નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે.
- ભાજપે 20 મી નવેમ્બરે મહારાષ્ટ્ર ચૂંટણીમાં 288 માંથી 132 બેઠકો જીતી
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આ માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ભાજપે 20 મી નવેમ્બરે મહારાષ્ટ્ર ચૂંટણીમાં 288 માંથી 132 બેઠકો જીતીને નોંધપાત્ર સફળતા મેળવી હતી. જે રાજ્યમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નવી ભાજપ-શિવસેના-એનસીપી સરકારમાં ટોચના પદ માટે સૌથી આગળ જોવામાં આવે છે.