ગાંધીનગરમાં વિકાસ સપ્તાહની ઊજવણી, સરકારી ઈમારતો પર રંગબેરંગી લાઈટ્સનો શણગાર
- રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહની ઊજવણી,
- સચિવાલય, મહાત્મા મંદિર, દાંડી બ્રિજ સહિત વિસ્તારોમાં નયનરમ્ય લાઈટિંગની રોશની,
- કુડાસણ આઈકૉનિક રોડ સહિતના વિસ્તારોમાં પણ શોપિંગ ફેસ્ટિવલ અને કલરફૂલ લાઈટિંગની ઝાકમઝોળ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષની જનસેવાના યશસ્વી પ્રયોગોને ઉજાગર કરવા રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા “વિકાસ સપ્તાહ” અંતર્ગત કેપિટલ સિટી ગાંધીનગર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમો જનભાગીદારીને કેન્દ્રમાં રાખીને રાજ્યના દરેક ખૂણામાં ઉજવણીનો માહોલ સર્જી રહ્યા છે.
વિકાસ સપ્તાહના ભાગરૂપે ગાંધીનગરની મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને આકર્ષક લાઈટિંગથી સજાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, દાંડી બ્રિજ તેમજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જેવી ઈમારતો રંગીન રોશનીથી ઝળહળતી દેખાઈ રહી છે. નયનરમ્ય લાઈટિંગથી સમગ્ર શહેરમાં તહેવારી માહોલ છવાઈ ગયો છે અને શહેરીજનો આ નજારો જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.આ સાથે દિવાળીના આગમનને ધ્યાનમાં રાખીને કુડાસણ આઈકૉનિક રોડ સહિતના વિસ્તારોમાં પણ વિશેષ શોપિંગ ફેસ્ટિવલ અને કલરફૂલ લાઈટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજ પડતા જ આ સ્થળો તેજસ્વી લાઈટોથી ઝગમગી ઉઠે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો, પ્રદર્શન અને ઉજવણીઓનું આયોજન થઈ રહ્યું છે, જે વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આ નયનરમ્ય દૃશ્યોને માણવા લોકો મોટી સંખ્યામાં ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ઉમટી રહ્યા છે, અને સોશિયલ મીડિયામાં પણ આ લાઈટિંગના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.