જીરાના વાવેતરમાં દેવભૂમિ દ્વારકા પ્રથમક્રમે અને સુરેન્દ્રનગર જિલ્લો બીજાક્રમે
- દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 86800 હેકટરમાં વાવેતર
- સુરેન્દ્રનગર જિલ્લામાં 58000 હેકટરમાં વાવેતર
- ઝાલાવાડમાં નર્મજા યોજનાનો લાભ મળતા ખેડુતો જીરાના વાવેતર તરફ વળ્યા
અમદાવાદઃ ગુજરાતમાં જીરાના વાવેતરમાં પ્રથમ નંબરે દેવ ભૂમિ દ્વારકા જિલ્લો અને બીજાક્રમે સુરેન્દ્રનગર જિલ્લો છે. આ વખતે રવિ સીઝનમાં આ બન્ને જિલ્લામાં જીરાનું વાવેતર સારા પ્રમાણમાં કરાયપં છે . જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 86800 હેકટર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 58000 હેકટરમાં જીરાનું વાવેતર કરાયું છે. જ્યારે ગુજરાતમાં કૂલ 376956 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. જે ગત વર્ષે આ સમાન સમયગાળે 530030 હેક્ટર હતુ. જોકે ગત સિઝનની સરખામણીએ ગુજરાતમાં જીરાનું વાવેતર ઘટ્યુ છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સિઝનમાં જીરાના વાવેતરનો વધારો હતો, એ આ વખતે જોવા મળ્યો નથી. આ વખતે જીરાનું વાવેતર થોડુ વિલંબમાં થયુ પણ એક સ્તરે વાવેતર થઇ ગયુ છે. રાજ્યમાં જિલ્લાવાર ગણતરી કરીએ તો દેવભુમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 86800 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 58000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયુ છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં 239900 હેક્ટરમાં જીરાનું વાવેતર થયુ છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 70900 હેક્ટરમાં જીરાનું વાવેતર થયુ છે. અને મધ્ય ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ જીલ્લામાં 11 હજાર હેક્ટર આસપાસ જીરાનું વાવેતર થયુ છે. જીરાના વાવેતરની અસર બજારભાવ ઉપર પણ જોવા મળી છે.
માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા એક સપ્તાહથી જીરા બજારમાં મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ પ્રતિ મણ રૂ.4500થી રૂ.4900ની સપાટીની વચ્ચે જીરાના ભાવ ચાલી રહ્યા છે. ઓફ-સિઝન હોવા છતાં ગુજરાતના મહત્વના મથકો ઉપર હજુ પણ જીરાની આવક સારા એવા પ્રમાણમાં થઇ રહી છે. ગત સિઝનના ઉંચામાં ઉંચા ભાવની સરખામણીએ આ સિઝનમાં અડધાથી પણ ઓછા ભાવ ખેડૂતોને મળ્યા છે.