For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જાફરાબાદ તાલુકામાં વન વિભાગની જહેમત છતાંયે માનવભક્ષી દીપડો પકડાતો નથી

02:27 PM Jan 17, 2025 IST | revoi editor
જાફરાબાદ તાલુકામાં વન વિભાગની જહેમત છતાંયે માનવભક્ષી દીપડો પકડાતો નથી
Advertisement
  • દીપડાને પકડવા માટે વન વિભાગે 7 ટીમો બનાવી
  • દીપડાનું લોકેશન શોધીને શિકાર સાથે 8 પાંજરા મુકાયા
  • ચાલક દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે

જાફરાબાદઃ અમરેલી જિલ્લામાં સિંહની જેમ દીપડાની વસતીમાં પણ વધારો થયો છે. જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં દીપડાઓનો ત્રાસ વધતા જાય છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામની સીમમા ત્રણ દિવસ પહેલા દીપડાએ સાત વર્ષની બાળકીને ફાડી ખાધા બાદ વનવિભાગે માનવભક્ષી દીપડાને પકડવા આઠ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ ચાલાક દીપડો પાંજરે પુરાતો નથી.

Advertisement

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ જાફરાબાદના ચિત્રાસર ગામના સીમ વિસ્તારમાં  ત્રણ દિવસ પહેલા દીપડાએ ખેત મજુર પરિવારની સાત વર્ષની પુત્રીને ગળેથી પકડી મારી નાખ્યા બાદ વનવિભાગે સતર્ક બની આ દીપડાને પકડવા જુદી જુદી દિશામા આઠ પાંજરા ગોઠવ્યા છે. માનવભક્ષી દીપડાને પકડવા વનતંત્રએ સાત ટીમોને કામે લગાડી છે. ત્રણ દિવસથી આ ટીમો રાત્રી ઉજાગરા કરી રહી છે. પરંતુ ચાલાક દીપડો પાંજરામાં સપડાઇ રહ્યો નથી. જેને પગલે ખેડૂતોમા ભય છે. કારણ કે હિંસક દીપડાના કારણે ખેડૂતો ખાસ કરીને રાત્રીના સમયે સીમમા જવાનુ ટાળી રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની વધતી અવરજવરે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં બે અલગ-અલગ સ્થળોએથી સિંહ અને દીપડાની હલચલના વીડિયો સામે આવ્યા છે. ખાંભા શહેરના જીનવાડી પરા વિસ્તારમાં દીપડાએ વાછરડીનો શિકાર કરી તેને ઢસડીને દૂર લઈ જતો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી ઘટનામાં, ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં સિંહ-સિંહણની જોડી ગામની બજારમાં શિકારની શોધમાં જોવા મળી, જેણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટના પણ CCTVમાં કેદ થઈ હતી. જોકે સિંહ કરતા દીપડા વધુ રંજાડ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement