આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા છતાં હ્રદયના ધબકારાં, લાગણીઓ એક છે : હર્ષ સંઘવી
- બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાજનજાતિય ગૌરવ વર્ષની ઊજવણી,
- ડોલવણખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ,
- આદિવાસીસમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ગાંધીનગરઃભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. 7 થી 13 નવેમ્બર, 2025 દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 09મી નવેમ્બર, 2025ના રોજ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ રહી પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયને સંબોધ્યા હતાં.
આ રથ યાત્રામાં આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત પણ સહભાગી થયા હતા. જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં સહભાગી થયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દુનિયાના લોકોને જો આપણા આદિજાતિ સમાજની બોલી, ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સમજવી હોય, તો તેમને માત્ર આ જિલ્લામાં આવવું પૂરતું છે. અહીં કોંકણી, ગામીત, ચૌધરી, દોઢિયા જેવી અનેક ભાષા બોલનારા સમાજો વસે છે. ભાષામાં વૈવિધ્ય હોવા છતાં સૌના હૃદયમાં લાગણીઓ એક છે. દુનિયાના કોઈપણ ખૂણામાં કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત તેનો સ્વભાવ અને મિઠાશ છે. આપણા આદિવાસી ભાઈ-બહેનો મહેનતુ, દેશભક્ત અને જમીન સાથે જોડાયેલા છે, આ સંસ્કૃતિને હું હૃદયપૂર્વક વંદન કરું છું.
તેમણે જણાવ્યું કે, તાપી જિલ્લાના ડોલવણ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ જનજાતિય ગૌરવ યાત્રા દક્ષિણથી ઉત્તર દિશા સુધી પ્રસરી રહી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે. જ્યાં જ્યાં યાત્રા પહોંચી છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન બિરસા મુંડાને વંદન કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, જનપ્રતિનિધિશ્રીઓએ હંમેશા લોકહિતમાં કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે. નાનામાં નાના માણસના પ્રશ્નોને વાચા આપી, તેમના ઉકેલ માટે સરકારે મક્કમતાથી નિર્ણયો કર્યા છે.
ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ તા. 15 નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવમોગરાના દર્શન માટે તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાનારી જનજાતિય દિવસની મુખ્ય ઉજવણીમાં પધારશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ભગવાન બિરસા મુંડાએ દેશહિતમાં અંગ્રેજ શાસકો સામે લડાઈ લડી અને આદિવાસી સમાજને હક તથા સ્વાભિમાન અપાવવાનો પ્રથમ અવાજ બુલંદ કર્યો હતો. જનજાતિય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજ પૂરતો સીમિત નથી, તેઓ સમગ્ર દેશના રખવાલા હતા. દેશભરના તમામ સમાજો અને જનપ્રતિનિધિઓ જ્યારે આ દિવસની ઉજવણીમાં સાથે જોડાય છે, ત્યારે એ એકતાનું પ્રતીક અને આપણી સાચી તાકાત બની રહે છે.
આ પ્રસંગેમાં રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે આપણે સૌએ તેમની પ્રેરણાથી સમૃદ્ધ, સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.