અમદાવાદમાં દર વર્ષે 1000 કરોડનો ખર્ચ છતાંયે રોડ પર ખાડા પડ્યાની 5033 ફરિયાદો મળી
- શહેરમાં સામાન્ય વરસાદમાં 838 ભૂવા પડ્યાં, શાસકો પાસે નથી કોઈ જવાબ,
- સૌથી વધુ ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં રોડ તૂટવાની 990 ફરિયાદો મળી,
- દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 159 ભૂવા પડ્યા
અમદાવાદઃ શહેરના નાગરિકોના ટેક્સથી મ્યુનિ.કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થાય છે. અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષે શહેરના રોડ રસ્તાઓ માટે રૂપિયા 1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. પણ રોડ બનાવવામાં બેદકારી અને ભ્રષ્ટાચારને લીધે પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ખાંડાઓ પડી જાય છે. છેલ્લા એક મહિનામાં ખાડા પડ્યાની 5033 ફરિયાદો મળી છે. તેમજ જૂન મહિનામાં વિવિધ વિસ્તારના રોડ ઉપર 838 ભૂવા પડયા હતા. અને આ ભૂવાના સમારકામ પાછળ લાખો રુપિયાનો ખર્ચ થઈ રહયો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યુ હતું કે, મ્યુનિના સત્તાધીશો શહેરીજનોને સારી ગુણવત્તાવાળા અને ટકાઉ રોડ આપવાના બદલે નવા અખતરાં કરી રહયા છે. સિમેન્ટના રોડ બનાવવા રુપિયા 300 કરોડનું આંધણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રજાના નાણાંની બરબાદી જ છે. આમ છતાં શાસકોએ લોકોને પડી રહેલી મુશ્કેલી કે હાડમારીને લઈ ચૂપકીદી સેવી લીધી છે. મ્યુનિ. શહેરમાં સારા રસ્તા હોવાના દાવા કરી રહી છે પરંતુ એ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. જૂન મહિનામાં શહેરમાં રોડ તૂટવા, રોડ બેસી જવા અને ભૂવા પડવાની મ્યુનિ.ને 5033 ફરિયાદ મળી છે. જે શહેરની સ્થિતિનો સાચો ચિતાર બતાવી રહી છે. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 159 ભૂવા પડ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં પ્રતિ વર્ષ રોડના કામો માટે રૂ. 1 હજાર કરોડનું બજેટ ફાળવાય છે. તેમ છતાં લોકોને સારા રોડ મળતા નથી. રોડ તૂટી જવાની 3264 ફરિયાદો અને ભૂવા પડ્યાની 838 જે ફરિયાદો મળી છે. જેમાં સૌથી વધારે ટેક્સ ચૂકવતાં પશ્ચિમ ઝોનમાં 990 ફરિયાદો રોડ તૂટવાની મળી હતી. સ્માર્ટ સિટી ખરેખર ભૂવા-ખાડા સિટી બની ગયું છે. મ્યુનિ.એ પહેલા ડસ્ટ ફ્રી રોડ, પછી વોલ ટુ વોલ, વ્હાઈટ ટોપિંગ રોડ અને હવે આઈકોનિક રોડના નામે લોકોને છેતરી રહી છે. જો કે કેટલા ટકાઉ છે તેની સમીક્ષા કરવામાં આવતી નથી.