મહુવા માર્કેટ યાર્ડમાં લીલા નાળિયેરની ધૂમ આવક છતાં ભાવમાં વધારો નોંધાયો
- 15 રૂપિયામાં વેચાતા નાળિયેર હરાજીમાં 30થી 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે,
- ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમાં લીલા નાળિયેરનું બમ્પર ઉત્પાદન,
- રાજ્યમાં માત્ર મહુવા માર્કેટ યાર્ડમાં લીલા નાળિયેરની જાહેર હરાજી થાય છે
ભાવનગર: દરિયાકાંઠો ધરાવતા ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં નારિયેળનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતનું એક એવું માર્કેટિંગ યાર્ડ છે. કે જ્યાં લીલા નાળિયેરની હરાજી કરવામાં આવે છે. એવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નાળિયેરની હરાજી કરવામાં આવી હતી. લીલા નાળિયેર વેચવા માટે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ઊના, ચોરવાડ સહિતના વિસ્તારમાંથી આવતા હોય છે. હાલ લીલા નાળિયેરની સારી આવક છે. અને અગાઉ 10થી 15 રૂપિયામાં વેચાતા નાળિયેર હવે હરાજીમાં 30થી 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.
મહુવાનો દરિયા કાંઠો નાળિયેરની ખેતી માટે જાણીતો છે. મહુવા પંથક ડુંગળી ઉપરાંત લીલા નાળિયેરની ખેતી માટે વિશિષ્ટ ઓળખ બનો ગયો છે. હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ 10થી 15 રૂપિયામાં વેચાતા નાળિયેર હવે હરાજીમાં 30થી 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આ તેજીથી નાળિયેરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમાં પણ મોટા પ્રમાણમાં નાળિયેરની ખેતી થાય છે. પરંતુ મહુવા એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં વિશિષ્ટ ક્વોલિટીના નાળિયેર ઉગાડવામાં આવે છે. મહુવા એપીએમસીમાં દરરોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી નાળિયેરની હરાજી યોજાય છે. સમગ્ર ગુજરાતમાં માત્ર મહુવામાં જ નાળિયેરની હરાજી થાય છે, જ્યાં ખેડૂતો અને જથ્થાબંધ વેપારીઓ મોટી સંખ્યામાં લીલા નાળિયેરને ખરીદવા માટે આવતા હોય છે.