ગુજરાતમાં મગફળીનો મબલખ પાક છતાંયે સિંગતેલના ભાવમાં થયો વધારો
- મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ,
- તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાને ભાવમાં કર્યો વધારો,
- સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ વધીને 2460થી 2510 રૂપિયા સુધી પહોંચી ગયો
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ સહિત તમામ માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ઉપરાંત સરકારે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કર્યો છે. આમ મગફળીની ભરપૂર આવક છતાંયે તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાના હેઠળ સિંગતેલના ભાવમાં કૃત્રિમ વધારો કર્યો છે. આ ભાવવધારાનો સીધો ડામ સામાન્ય લોકોને પડી રહ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના 15 કિલોના ડબામાં વધુ 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ વધીને 2460થી 2510 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચાર દિવસમાં જ સિંગતેલના ડબા દીઠ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે કિલો દીઠ લગભગ 4 રૂપિયા જેટલો વધારો દર્શાવે છે.
સિંગતેલમાં કરાયેલો ભાવવધારો તર્કહીન લાગી રહ્યો છે, કારણ કે માર્કેટની સ્થિતિ સામાન્ય છે. માર્કેટ યાર્ડમાં મગફળીની ધોધમાર આવક ચાલુ છે અને તેના ભાવ 900થી 1250 રૂપિયાની વચ્ચે સ્થિર છે. મગફળીના પાકના અંદાજો ઘણા ઊંચા છે, એટલે કે સપ્લાયમાં કોઈ કમી નથી. બજારમાં સિંગતેલની માગમાં કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી, છતાં કેટલાક તેલમિલરો ભાવ સતત વધારી રહ્યા છે, જેના કારણે કૃત્રિમ ભાવ વધારો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હવે તેલના ખરીદારોને પણ મોંઘવારીનો આકરો ડામ અપાઈ રહ્યો છે.
સિંગતેલના આ સતત વધતા ભાવને કારણે ગ્રાહકોએ આ વર્ષે આખા વર્ષનું સિંગતેલ ભરવાનું શરૂ કર્યું નથી. વેપારી સૂત્રોએ પણ જણાવ્યું છે કે ભાવ વધારા સાથે ખાદ્યતેલની ગુણવત્તા અંગેની ફરિયાદો ટાળવા માટે તેઓ ગ્રાહકોને હાલ એકસાથે તેલ ભરવાની સલાહ આપતા નથી. કપાસિયા તેલના ભાવ એકંદરે સ્થિર રહ્યા છે અને આંશિક ઘટીને 2195થી 2245 રૂપિયાના ભાવે સોદા થયા હતા. સિંગતેલમાં સતત વધારો થતાં હવે સિંગતેલ કપાસિયા તેલ કરતાં 265 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે.