દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બોલીવુડમાં સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી બની
બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર છે. આ અભિનેત્રી છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ "ધ સ્કાય ઇઝ પિંક" માં જોવા મળી હતી. હવે તે 6 વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. પ્રિયંકાએ તાજેતરમાં એસએસ રાજામૌલીની ફિલ્મ સાઇન કરી છે. આ માટે તેણીએ ભારે ફી લીધી હોવાનું જાણવા મળે છે. જેના કારણએ તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ છે. પ્રિયંકા ચોપરાએ એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 સાઇન કરી છે.
રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 30 કરોડ રૂપિયાની મોટી રકમ ફી તરીકે લીધી છે. આ ફી સાથે, પ્રિયંકા ભારતમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 એક એક્શન-એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ જોવા મળશે. આ ઉપરાંત, એવા સમાચાર છે કે જોન અબ્રાહમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, રાજામૌલીની ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનની જગ્યાએ જોન અબ્રાહમને લેવામાં આવ્યા છે. આ ફિલ્મ દ્વારા જોન અને પ્રિયંકા 17 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળશે. આ પહેલા બંને 2008માં આવેલી ફિલ્મ દોસ્તાનામાં સાથે જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપરા પછી, દીપિકા પાદુકોણ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં બીજા સ્થાને છે. દીપિકા તેની ફિલ્મો માટે 15-30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ત્રીજા નંબરે કંગના રનૌત 15 થી 27 કરોડ રૂપિયા ફી સાથે છે. 15 થી 25 કરોડની રકમ સાથે કેટરીના કૈફ ચોથા સ્થાને છે અને 10 થી 20 કરોડની ફી સાથે આલિયા ભટ્ટ આ યાદીમાં પાંચમા સ્થાને છે.