ગુજરાતમાં સરકારી અને ખાનગી બેન્કોમાં NRIની ડિપોઝિટ એક લાખ કરોડે પહોંચી
- છેલ્લા એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝીટમાં 14 ટકાનો વધારો,
- શેર બજારમાં પણ એનઆરઆઈનું રોકાણ વધ્યું,
- એનઆરઆઈ ખાનગી બેન્કો તરફ આકર્ષાયા
અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા લોકો વર્ષોથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, આરબ અમિરાત સહિત વિવિધ દેશોમાં સ્થાયી થયાં છે. વનત પ્રેમી ગુજરાતીઓ પોતાની બચત ગુજરાતની સરકારી અને ખાનગી બેન્કોમાં ડિપોઝીટ તરીકે મુકતા હોય છે. અને તેથી ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝીટને આંકડો એક લાખ કરોડને પાર થઈ ગયો છે. કચ્છમાં તો કેટલાક ગામોના ઘણા પરિવારો દૂબઈ સહિત આરબ દેશોમાં રોજગાર-ધંધા અર્થે સ્થાયી થયા છે. અને આ પરિવારો પોતાની બચત પોતાના ગામની બેન્કમાં જ કરાવતા હોય છે. આ ઉપરાંત ખેડા-આણંદ, મહેસાણા, અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અનેક પરિવારો અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે. આવા એનઆરઆઈ પણ પોતાની મુડી પોતાના ગામ કે શહેર વિસ્તારની સરકારી કે ખાનગી બેન્કોમાં મુકતા હોય છે.
બિનનિવાસી ભારતીયો પણ ભારત પ્રત્યે આકર્ષિત હોય તેમ ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝીટને આંકડો એક લાખ કરોડને પાર થઈ ગયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બિનનિવાસી ભારતીયોની થાપણ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં જ એક લાખ કરોડને પાર થઈ ગઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ 14 ટકાનો વધારો સૂચવે છે. ચાલુ વર્ષે એનઆરઆઈ ડિપોઝીટનો આંકડો 1.01 લાખ કરોડ થયો છે તે ગત વર્ષે 89057 કરોડ હતો. કમીટીના સિનિયર અધિકારીના કહેવા મુજબ, ગત સાલની સરખામણીએ ચાલુ વર્ષે બીન નિવાસી ભારતીયોએ વધુ નાણા મોકલ્યા છે તે પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. વિશ્વસ્તરે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હોવાને કારણે ભારતીયોએ સુરક્ષા માટે પણ ભારતમાં નાણાં રાખવાનો વ્યુહ અપનાવ્યો છે.
એનઆરજી એટલે કે વિદેશમાં રહેતા ગુજરાતીઓ ભારતીય શેર બજાર તેમજ રિયલ એસ્ટેટમાં પણ સારૂએવું રોકાણ કરી રહ્યા છે. જે કે કેટલાક સમયથી રિયલ એસ્ટેટમાં પુરતુ વળતર મળતું ન હોવાથી અને જોખમ પણ રહેતું હોવાથી હવે બેન્કોમાં ડિપોઝિટ કરવા લાગ્યા છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાના સૂત્રોના કહેવા મુજબ કોવિદકાળ બાદ ભારતીય શેરબજારે જોરદાર રિટર્ન આપ્યુ છે અને આવનારા વર્ષોમાં પણ ભારતીય અર્થતંત્રનો ડંકો વાગવાનો આશાવાદ છે. વૈશ્વિક અર્થતંત્ર સંકટથી ઘેરાયેલુ છે. યુદ્ધ અને તનાવનો માહોલ છે ત્યારે ભારતમાં રોકાણ સુરક્ષિત હોવાનુ માનવા ઉપરાંત રીટર્ન પણ મળવાના આશાવાદથી બીનનિવાસી ભારતીયો રોકાણ વધારી રહ્યા છે.