ગ્રાન્ટેડ સ્કૂલોમાં હવે કોન્ટ્રાક્ટથી પટ્ટાવાળાની ભરતીની સત્તા ડીઈઓ પાસે રહેશે
- ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયમમાં કરાયો ફેરફાર,
- ઈ ટેન્ડર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે,
- ગ્રાન્ટેડ શાળાઓને સમય મર્યાદામાં પટાવાળા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ-4 નું સંખ્યાબળ નિયત કરવામાં આવ્યું છે અને તેમાં મળવાપાત્ર કર્મચારીઓની સેવા માટે જે નિયમ હતો તેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે આઉટસોર્સિંગથી પટાવાળાની ભરતી પ્રક્રિયા અપનાવવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મળવાપાત્ર કર્મચારીઓની સેવા લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને દરખાસ્ત કરવાની રહેતી અને તેમની મંજૂરી બાદ જિલ્લાના કલેક્ટર દ્વારા ટેન્ડર પદ્ધતિને આધારે નક્કી કરવામાં આવેલી એજન્સી પાસેથી કરારની શરતોને આધારે સુવિધા મેળવવાની રહેતી પરંતુ હવે તેમાં સુધારો કરી નવી જોગવાઈ કરવામાં આવી છે, જે મુજબ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષે મોડેલ શાળાઓ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી મારફત ચોથા વર્ગના પટાવાળાની ભરતી કરે છે તે મુજબની પ્રક્રિયા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આઉટસોર્સિંગથી પટાવાળાની ભરતી પ્રક્રિયા અપનાવવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી છે તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને GEM પર ઈ ટેન્ડર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે તથા સમય મર્યાદામાં શાળાને પટાવાળા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અત્યાર સુધી જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લા કલેક્ટર કચેરી અને એજન્સી વચ્ચે નોડલ અધિકારી તરીકે કાર્યવાહી કરવાની રહેતી હતી અને સંસ્થા કે શાળામાં સુવિધા ઉપલબ્ધ થાય તે જોવાનું રહેતું હતુ .હવે નવી જોગવાઈ મુજબ શાળાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તેમ જ આઉટસોર્સિંગથી પટાવાળાની ભરતી પ્રક્રિયા થાય તે માટે નોડલ અધિકારી તેમજ નિયંત્રક અધિકારી તરીકેની તમામ કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીએ કરવાની રહેશે.