બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં અમદાવાદમાં દેખાવો કરાયા
- અમદાવાદમાં હિન્દુ સંગઠનો, સંત સમિતિ દ્વારા કરાયુ આયોજન,
- રિવરફ્રન્ટ પર માનવ સાંકળ રચીને ચિન્મયદાસને મુક્ત કરવાની માગ કરી,
- હાથમાં પ્લે કાર્ડ-બેનરો સાથે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો
અમદાવાદઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિન્દુઓ પરના હુમલાઓ વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં અમદાવાદમાં વિવિધ હિન્દુ સંગઠનો, સંત સમાજ તેમજ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. આજે સવારના 8.30થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવસાંકળ રચાઈ હતી. અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધપ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે. આજે અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાંગ્લાંદેશમા હિન્દુઓ પરના હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. શહેરનાં વિવિધ બોર્ડમાંથી ઓછામાં ઓછા 150 લોકો સહિત ભાજપના સંત સમિતિના સભ્યો પણ વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવી રહ્યા છે. તેમજ માનવસાંકળમાં શહેરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા એએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ, તથા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવાની માગ કરી હતી.
આ અંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની જે સ્થિતિ છે એ આપણા માટે શરમજનક છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય એવી માગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે તેવી માગ છે.
ભાડજ હરે ક્રિષ્ના મંદિરના શ્યામચરણ દાસજીએ જણાવ્યું હતું કે ઘણાં વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે. ઘણાં વર્ષોથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે. પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે. ઇસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ છે. કોઈપણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે એની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનારાઓ સામે કઠોરમાં કઠોર પગલાં લેવાવા જોઈએ.