અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ
અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની 'બાંગ્લાદેશ' એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. ઈસનપુર વિસ્તારમાં પણ મોટું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
1 PSI, 6 પોલીસકર્મી અને 6 SRP જવાનની 11 ટીમો બંદોબસ્તમાં છે. પોલીસની એક-એક ટીમ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ છે. ચંડોળા તળાવની ચારેય તરફથી ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે. ડિમોલેશન શરૂ કરતા જ ઇલેક્ટ્રિક પાવર બંધ કરવામાં આવ્યો છે.