અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન પાર્ટ-2, મંદિર-મસ્જિદ તૂટતાં ટોળાં ઊમટ્યાં
- ચંડોળામાં ડેમોલિશનનું કામ પૂર્ણ, બે દિવસમાં કાટમાળ પણ હટાવાશે
- 35 હિટાચી મશીન, 15 જેસીબી મશીનથી 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પડાયા
- ચંડોળા તળાવના 5 લાખ ચો. મીટર જગ્યા પરથી દબાણો દૂર કરાયા
અમદાવાદઃ શહેરના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના આજે બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનનનો પ્રારંભ કરાયો હતો. ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરાતા લોકોના ટોળાં ઉમટ્યા હતા. આ કાર્યવાહીને પગલે લોકોના ટોળા ઉમટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં 9 નાની મોટી મસ્જિદો તેમજ સિરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી.આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી મસ્જિદને પણ તોડી પડાઈ છે.
ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશમાં મ્યુનિ.એ આજે બીજા દિવસે મોટાભાગના કાચા-મકાનો તોડી પાડ્યા હતા.મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે જંગી કાટમાળ બે દિવસમાં ખસેડી લેવામાં આવશે. મેગા ડિમોલિશન પાર્ટ-2 દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે સવારથી જ 50 ટીમના 350 કર્મચારી અને અધિકારીઓનો કાફલો ખડકી દઈ લગભગ 8,500 ગેરકાયદે કાચા-પાકા મકાન તોડી પાડ્યા હતા. મ્યુનિ.એ પ્રત્યેક મિનિટે 14 મકાન તોડી પાડ્યા હતા. સોમવારે રાત્રે જ સ્થાનિક રહીશોને ચંડોળા તળાવની આસપાસથી બહાર કાઢવામાં આવ્યા હતા. સવારે કામગીરી શરૂ કરાઈ ત્યારે માત્ર ખાલી મકાનો જ ઊભા હતા. અગાઉ આ વિસ્તારમાંથી મ્યુનિ.એ પાણીની લાઈન અને વીજળીના કનેક્શન કાપી નાખ્યા હતા. જે સ્થાનિકો 2010 પહેલાના રહેઠાણના પુરાવા રજૂ કરી શકશે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે. અત્યાર સુધી 3500થી વધુ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટેના ફોર્મ લીધા છે. મંગળવારે સવારે 15 જેસીબી અને 35 હિટાચી મશીનથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 35 હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની 2.5 લાખ ચો. મીટર જગ્યા પરથી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં તમામ દબાણો દૂર થઈ ગયા હોત, પરંતુ ગરમીમાં સતત હિટાચી મશીન કામગીરી કરી રહ્યું હતું જેના કારણે મશીનો બગડ્યા હતા જેના કારણે સમય વેડફાયો હતો. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં AMC દ્વારા 20 જેટલી નાના મોટી મસ્જિદ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનો અને 500થી વધુ કાચા-પાકા મકાનો તેમજ ઝુંપડા તોડી પાડવામાં આવ્યા છે. સવારે 10:00 વાગ્યા બાદ ઇસનપુર ચંડોળા તળાવના દશા માતા મંદિર તરફના રોડ ઉપરના તળાવની જગ્યામાં આવેલા દબાણો તોડી પાડવાની શરૂઆત કરી હતી.
ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશનના કારણે હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે 9 મેના રોજ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેતાં હોય એવાં સ્થાનિક લોકોને શરતોને આધિન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજનાના મકાનો ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધીમાં 3800 લોકોએ આવાસ યોજનાના ફોર્મ મેળવ્યા છે. 31 મે સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. જે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેઓને જ મકાન ફાળવવામાં આવશે. ફોર્મની સાથે ફોર્મ ફી 50 રૂપિયા અને ડિપોઝિટની 7500 રકમ સાથેનો ડિમાન્ડ ડ્રાફ્ટ- પે ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર અમદાવાદના નામનો બનાવી જમા કરાવવાનો રહેશે. પુરાવાઓની નકલ ફોર્મની સાથે જોડવાની રહેશે. ત્રણ લાખ રૂપિયાના રકમમાં મકાન મળશે. જેના માટે 20 ટકા રકમ ડ્રોમાં સફળ થયા બાદ ભરવાની રહેશે અને બાકીના 80 ટકા રકમ 10 હપ્તામાં ભરવાની રહેશે. રકમ ભર્યા બાદ દસ્તાવેજ કરી અને મકાન ફાળવવામાં આવશે.