દિલ્હી ધુમ્મસની ચાદરમાં ઢંકાયું, AQI 348 નોંધાયો
નવી દિલ્હીઃ આજરોજ વહેલી સવારથી દિલ્હીમાં ધુમ્મસ છવાયું હતું. તાપમાન લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ત્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 348 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક દિવસના વિરામ બાદ ડેટા અપડેટ કરવાનું ફરી શરૂ કર્યું.
સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 7:30 વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં આંકડો 348 હતો. આ AQI સ્કોર ફરીદાબાદમાં 214, ગુડગાંવમાં 252, ગાઝિયાબાદમાં 285, ગ્રેટર નોઈડામાં 291 અને નોઈડામાં 253 હતો. જ્યારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 300 અને 400 ની વચ્ચે રહે છે. નવા વર્ષની શરૂઆત સાથે જ દિલ્હીમાં પ્રદૂષણનો કહેર યથાવત છે. બગડતી હવાના કારણે દિલ્હીના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે લોકો આંખોમાં બળતરા પણ અનુભવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઈ વિસ્તારનો AQI 0 થી 50 ની વચ્ચે રહે છે, તો તેને સારી શ્રેણીની હવાની ગુણવત્તા કહેવામાં આવે છે. 51 અને 100 ની વચ્ચે સંતોષકારક હવાની ગુણવત્તા ગણવામાં આવે છે. 101 અને 200 ની AQI રેન્જને મધ્યમ ગણવામાં આવે છે. જો કોઈ સ્થળનો AQI 201 થી 300 ની વચ્ચે હોય, તો તે વિસ્તારનો AQI ખરાબ ગણવામાં આવે છે. IMD એ ઠંડીમાં રાહતની આશા વ્યક્ત કરી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. આજરોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની અને શનિવાર સુધીમાં વધીને 18 ડિગ્રી સેલ્સિયસ થવાની ધારણા છે.