દિલ્હીમાં છેલ્લા 101 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા 101 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 ડિસેમ્બરે સવારે શરૂ થયેલો વરસાદ રાજધાનીમાં બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 41.2 મીમી વરસાદ નોંધાયો હતો.
દરમિયાન પહાડી વિસ્તારોમાં વરસાદ અને ભારે હિમવર્ષા બાદ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆર સહિત મેદાની વિસ્તારોમાં શિયાળાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે કોલ્ડ વેવ અને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સપ્તાહ સુધી હવામાન ઠંડુ અને શુષ્ક રહેશે. આજે રવિવારે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને તાપમાન શૂન્યથી નીચે ગયું છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.